The Case of Indian T20 captain Suryakumar Yadav: ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને ICC મેચ રેફરી રિચી રિચાર્ડસન દ્વારા સત્તાવાર સુનાવણી દરમિયાન કોઈપણ રાજકીય નિવેદનો આપવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. નોંધનીય છે કે, PCB એ સૂર્યકુમાર યાદવના નિવેદનો અંગે બે ફરિયાદો દાખલ કરી હતી. સૂર્યાના કેસનું શું પરિણામ આવ્યું જાણો તેની માહિતી.
સૂર્યકુમાર સામે શું કાર્યવાહી કરવામાં આવી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, "સૂર્યકુમાર ICC સુનાવણીમાં હાજર રહ્યા હતા. તેમની સાથે BCCI ના CEO અને ક્રિકેટ ઓપરેશન્સ મેનેજર પણ હતા. રિચાર્ડસનએ તેમને સલાહ આપી હતી કે, તેમણે એવી કોઈ ટિપ્પણી ન કરવી જોઈએ જેને રાજકીય સ્વભાવની ગણી શકાય. દંડનું સ્વરૂપ હજુ સુધી જાણી શકાયું નથી. કારણ કે, તે લેવલ 1 હેઠળ આવે છે, તો તેમને ચેતવણી અથવા મેચ ફીમાં 15 ટકા ઘટાડાનો નાણાકીય દંડ હોઈ શકે છે."
સૂર્યકુમાર યાદવના નિવેદનો અંગે ફરિયાદ કરવામાં આવી હતી
2025 એશિયા કપના લીગ સ્ટેજ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, સૂર્યકુમાર યાદવે કહ્યું કે, આ જીત પુલવામાના પીડિતોને સમર્પિત છે. ત્યારબાદની પ્રેસ કોન્ફરન્સમાં, સૂર્યાએ જણાવ્યું કે, તેમને સરકાર અને બીસીસીઆઈ તરફથી સૂચના મળી છે કે, વિજય પછી પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મેળવવો.
શું સૂર્યકુમાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે?
ICC ના નિયમો અનુસાર, આ કેસ લેવલ 1 ઉલ્લંઘન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોઈપણ ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવતો નથી. તેમને ફક્ત તેમની મેચ ફીનો દંડ ફટકારી શકાય છે. જો કોઈ ખેલાડી લેવલ 2, 3 અથવા 4 ઉલ્લંઘન કરે છે તો જ તેમને પ્રતિબંધિત કરવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન એશિયા કપ ફાઇનલ
2025 એશિયા કપની ફાઇનલ 28 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. એશિયા કપના ઇતિહાસમાં પહેલી વાર ભારત અને પાકિસ્તાન ટાઇટલ મેચમાં એકબીજા સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટમાં બંને ટીમો ત્રીજી વખત એક-બીજા સામે રમશે. આ પહેલા, ભારતીય ટીમ 2025 એશિયા કપમાં પાકિસ્તાનને બે વાર હરાવી ચૂકી છે.