ICC Ranking Abhishek Sharma: અભિષેક શર્માએ ICC રેન્કિંગમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એશિયા કપમાં સાત મેચમાં 314 રન બનાવ્યા હતા, જેનાથી તેને રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. અભિષેક T20I બેટિંગ રેન્કિંગના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો બેટ્સમેન બની ગયો છે. એ નોંધવું જોઈએ કે, કોઈ ખેલાડી રેન્કિંગમાં મહત્તમ 1000 પોઈન્ટ જ હાંસલ કરી શકે છે. આ પહેલા, ઇંગ્લેન્ડના ડેવિડ માલનના નામે T20 બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ 919 હતા. તેમણે સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીનો રેકોર્ડ પણ તોડ્યો હતો. સૂર્યકુમાર યાદવે કારકિર્દીના સૌથી વધુ 912 રેટિંગ પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીના 909 પોઇન્ટ હતા.
T20I બેટિંગ રેન્કિંગમાં સૌથી વધુ પોઈન્ટ
અભિષેક શર્મા - 931 રેટિંગ પોઈન્ટ
ડેવિડ મલાન - 919 રેટિંગ પોઈન્ટ
સૂર્યકુમાર યાદવ - 912 રેટિંગ પોઈન્ટ
વિરાટ કોહલી - 909 રેટિંગ પોઈન્ટ
T20I બેટિંગ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો
T20I રેન્કિંગમાં અભિષેક શર્મા વિશ્વનો નંબર 1 બેટ્સમેન યથાવત છે. ઇંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા ક્રમે છે, જ્યારે એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે અણનમ 69 રન ફટકારનાર તિલક વર્મા ત્રીજા સ્થાને છે. જોસ બટલર ચોથા સ્થાને અને શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કા બે ક્રમ આગળ વધીને ટોપ-5 માં પ્રવેશ કર્યો. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ એશિયા કપમાં ફક્ત 72 રન જ બનાવી શક્યો. આ ખરાબ પ્રદર્શનથી તેને બે સ્થાન નીચે આવીને આઠમા સ્થાને પહોંચી ગયો છે. ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ ક્ષણોમાં સંજુ સેમસનની ટૂંકી ઇનિંગ્સથી તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. તે બેટ્સમેનોમાં આઠ સ્થાન આગળ વધીને 31મા ક્રમે પહોંચી ગયો છે. શુભમન ગિલ 32મા સ્થાને યથાવત છે.