ગાંધીનગરના સેક્ટર-17 વિસ્તારમાં ધારાસભ્યો માટે નવી લક્ઝુરિયસ વસાહત તૈયાર થઈ ગઈ છે. અહીં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડી 325 કરોડ રૂપિયાના ખર્ચે 216 આધુનિક અને સુવિધાસભર 5BHK ફ્લેટ્સ બનાવવામાં આવ્યા છે. દરેક ફ્લેટમાં ઓફિસ રૂમ અને સર્વન્ટ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. એક ફ્લેટ પાછળ 1.50 કરોડથી વધુનો ખર્ચ થયો છે. આ તમામ ફ્લેટ્સની ફાળવણી 150 ધારાસભ્યોને રેન્ડમ બેલેટિંગ પદ્ધતિથી કરવામાં આવી છે, જ્યારે સરકારના 25 મંત્રીઓને પહેલેથી જ બંગલાં ફાળવાઈ ચૂક્યાં છે.
11 મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર 6માં ફ્લેટ ફાળવાયા
આ નવી વસાહતનું વિશેષ આકર્ષણ એ છે કે મહિલાધારાસભ્યો માટે અલગ બ્લોક ફાળવવામાં આવ્યો છે. કુલ 11 મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર 6માં ફ્લેટ ફાળવાયા છે. નરોડાની ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીને આ બ્લોકના ત્રીજા માળ પર ફ્લેટ ફાળવવામાં આવ્યો છે.
જાણીતા ધારાસભ્યો પાડોશી બન્યા
ફ્લેટ ફાળવણી બાદ હવે અનેક જાણીતા ધારાસભ્યો પાડોશી બન્યા છે. ભાજપના હાર્દિક પટેલ અને અમિત ઠાકર હવે એકબીજાના પાડોશી બન્યા છે. ભાજપના અલ્પેશ ઠાકોરને બ્લોક નંબર 1 માં 802 નંબરનો ફ્લેટ મળ્યો છે, જ્યારે કોંગ્રેસના અમૃતજી ઠાકોરને એ જ બ્લોકમાં 801 નંબરનો ફ્લેટ ફાળવાયો છે, એટલે બંને ઠાકોર નેતાઓ હવે બાજુબાજુમાં રહેવાના છે. કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા (702) અને બાબુ જમના પટેલ (701) પણ હવે પાડોશી બન્યા છે. તેમ જ ભાજપના હેમંત ખવા (802) અને ઉદય કાનગડ (801)ના ફ્લેટ પણ બાજુમાં જ આવેલાં છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા (101) અને ભાજપના દેવા માલમ (102) પણ હવે એકબીજાની નજીક રહેવાના છે.
આ રીતે ગાંધીનગરના સેક્ટર-17માં નવી MLA ક્વાર્ટર્સ કોલોની હવે આધુનિક સુવિધાઓથી સજ્જ બની છે. ધારાસભ્યોને આરામદાયક અને સુવિધાસભર નિવાસ મળી રહે તે માટે સરકાર દ્વારા આ વિશાળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે હવે વિધાનસભા વિસ્તારનું નવું આકર્ષણ બની રહ્યું છે.





















