Mahesh Kaswala letter : અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મહેશ કસવાલાએ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્યના કૃષિ મંત્રીને પત્ર લખી મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. પત્ર દ્વારા તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિ અને અભિગમને ધ્યાનમાં રાખીને ટેકાના ભાવની મગફળી ખરીદી અંગે ખેડૂતોને થતી મુશ્કેલીઓ રજૂ કરી છે. મહેશ કસવાલાએ પત્રમાં જણાવ્યું છે કે હાલમાં ગુજરાત રાજ્યમાં અંદાજે 200 કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવ (MSP) પર ખરીદી ચાલી રહી છે. જો કે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી 17 જાન્યુઆરીની મુદતમાં વધારો કરવાની તાતી જરૂર છે તેવી તેમણે માંગ કરી છે.
'વરસાદના કારણે ખેડૂતોની મગફળી સમયસર તૈયાર થઈ નથી'
તેમણે વધુમાં જણાવ્યું કે, 2 નવેમ્બર સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી સમયસર તૈયાર થઈ શકી નહોતી. આ ઉપરાંત રવિ પાકની વાવણી શરૂ થઈ જતા ઘણા ખેડૂતો સમયસર ખરીદી કેન્દ્રો સુધી પહોંચી શક્યા નહોતા. કેટલીક જગ્યાએ ખરીદી પ્રક્રિયા ધીમી હોવી તેમજ ગોડાઉન ફાળવણીની પ્રક્રિયામાં થતા વિલંબને કારણે પણ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.'
'મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવામાં આવે'
મહેશ કસવાલાનું કહેવું છે કે આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા 17 જાન્યુઆરી સુધીમાં 100 ટકા મગફળીની ખરીદી પૂર્ણ થવાની શક્યતા નથી. તેથી ખેડૂતોને ટેકાના ભાવની મગફળી ખરીદીની મુદતમાં વધારો કરવામાં આવે તેવી તેમણે સરકારને અપીલ કરી છે. ધારાસભ્ય દ્વારા કરાયેલી આ રજૂઆતને લઈને હવે કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાશે તેવી આશા ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે.
પત્રમાં શું લખ્યું?
MLA મહેશ કસવાલાએ પત્રમાં લખ્યું કે, 'મારા વિધાનસભાના પ્રવાસ દરમ્યાન ખેડૂતો તથા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતો દ્વારા મળેલ રજૂઆત મુજબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી નીતિ અને અભિગમ અન્વયે મગફળી રૂ.1452 પ્રતિમણ ટેકાના ભાવથી ખરીદવાનું તા.9-11-2025થી થયેલ છે અને રાજ્યમાં 200 જેટકા કેન્દ્રો પરથી આ ખરીદી થાય છે. જેનો ખેડૂતભરમાં સંતોષ અને આવકાર મળેલ આ ખરીદી માટેની કટ ઓફ ડેટ તા.17 જાન્યુઆરી 2026 સુધીની છે.
MSP મુદતમાં વધારો કરવાના કારણો જણાવ્યાં
તેમણે પત્રમાં મગફળીની MSP મુદતમાં વધારો કરવા કારણો જણાવતા લખ્યું કે, તારીખ 2 નવેમ્બર સુધી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત જીલ્લામાં કમોસમી વરસાદના લાંબા રાઉન્ડ કારણે મગફળી તૈયાર ન હતી તેમજ રવી પાકોની વાવણી કારણે ખેડૂતો સમયસર આવી શક્ય ન હતા. કેટલાંક ખેડૂતોના કેન્દ્રો પર ધીમી પ્રક્રિયા. કેટલાક કેન્દ્રો પર ગોડાઉન ફાળવણી કારણે ધીમી પ્રક્રિયા શરુ હતી. વેર હાઉસનું મેપિંગ સમયસર ન મળવાના કારણે કામગીરી રુકાવટ. કેટલાક ગોડાઉનમાં ટ્રકોમાંથી સમયસર જથ્થો અનલોડ ન થવા જેવા વિવિધ કારણોસર કેટલાક કેન્દ્રોમાં 17 જાન્યુઆરી 2026 સુધીમાં 100 ટકા થઈ જવાની શક્યતા ન હોવાને કારણે ખાસ અમરેલી જીલ્લામાં ઓનલાઇન રજીસ્ટ્રેસન થયેલ દરેક ખેડૂતોનો સમાવેશ થઈ શકે તેમ નથી. સમગ્ર હકિકતે ધ્યાને લઈ ખેડૂતલક્ષી યોગ્ય નિણર્ય લઈ મગફળી MSP માં મુદતનો વધારો કરવા મારી ખાસ ભલામણ છે'.




















