ગુજરાતમાં તાજેતરના માવઠા અને અતિ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ પરિસ્થિતિને લઈને રાજ્ય સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ અંગે મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ આ બાબતે ખૂબ ગંભીરતાથી બેઠકો કરી છે અને મંત્રીઓ તથા અધિકારીઓ સાથે સતત ચર્ચા ચાલી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ખૂબ જ ત્વરિત નિર્ણય લેવામાં આવશે જેથી ખેડૂતોને સમયસર રાહત મળી રહે'.
“આ સમય રાજનીતિ કરવાનો નથી...''
કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવાની કરાયેલી માગણી અંગે વાઘાણીએ પ્રતિભાવ આપતાં કહ્યું કે “આ સમય રાજનીતિ કરવાનો નથી, પરંતુ ખેડૂતોનું મનોબળ જળવાઈ રહે તે માટે કાર્ય કરવાનો સમય છે.” તેમણે ઉમેર્યું કે “જે સરકારે પોતાના સમયમાં જે રીતે કામ કર્યું તે કર્યું, પરંતુ અમે પણ ખેડૂતની જ વાત કરીએ છીએ. હાલનો સમય ખેડૂતને મદદ કરવાનો છે, રાજકીય લાભ લેવા નો નહીં.”
'આ માત્ર માવઠું નથી, પરંતુ કુદરતનો કઠોર આઘાત છે'
કૃષિ મંત્રીએ કહ્યું કે, 'માવઠાના મારના કારણે થયેલા નુકસાન અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકનું નુકસાન થયું છે અને 16 હજારથી વધુ ગામોમાં કમોસમી વરસાદથી અસર થઈ છે. આ માત્ર માવઠું નથી, પરંતુ કુદરતનો કઠોર આઘાત છે'
'ખેડૂત દીઠ 125 મણ સુધીનો જથ્થો ખરીદવામાં આવશે'
ખેડૂતોને આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી રહી છે. વાઘાણીએ જણાવ્યું કે, 'મગફળી, અડદ, મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ પ્રક્રિયા 9 નવેમ્બરથી શરૂ થશે, અને ખેડૂતોને SMS દ્વારા માહિતી આપવામાં આવશે કે તેઓ ક્યારે અને કયા કેન્દ્ર પર વેચાણ માટે જઈ શકે'. વાઘાણીએ ઉમેર્યું કે, 'કેન્દ્ર સરકારે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવાનો નિર્ણય કર્યો છે, જેમાં દર ખેડૂત દીઠ 125 મણ સુધીનો જથ્થો ખરીદવામાં આવશે'.





















