Junagadh Bharati Ashram :જૂનાગઢના પ્રખ્યાત ભારતી આશ્રમમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ ગુમ થયેલા અને ગઈકાલે 5 તારીખે મળી આવેલા આશ્રમના લઘુમહંત અને મહામંડલેશ્વર તરીકે રહેલા મહાદેવભારતી બાપુને આશ્રમના તમામ હોદ્દાઓ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણય આશ્રમના મુખ્ય મહંત હરિહરાનંદ બાપુએ જાહેર કર્યો છે.
મહાદેવભારતીને હવે લઘુમહંત પદ પરથી હટાવવામાં આવ્યા
હરિહરાનંદ બાપુએ જણાવ્યું કે, “મહાદેવભારતીને હવે લઘુમહંત પદ પરથી હટાવવામાં આવ્યા છે અને હવે તેમનો જૂનાગઢ ભારતી આશ્રમ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.” ઉલ્લેખનીય છે કે, 5 નવેમ્બરનાં રોજ મહાદેવભારતી બાપુ 80 કલાક સુધી ગુમ થયા બાદ તેઓ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. તેમની તબિયત નાજુક હોવાને કારણે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ પણ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આશ્રમમાં આંતરિક હલચલ મચી
આ આખી ઘટનાને લઈને આશ્રમમાં આંતરિક હલચલ મચી ગઈ છે. આશ્રમના કેટલાક સંતો અને અનુયાયીઓ આ નિર્ણયથી આશ્ચર્યચકિત છે, જ્યારે આશ્રમના વરિષ્ઠ સંતોએ જણાવ્યું છે કે આ પગલું આશ્રમની પરંપરા અને શિસ્ત જાળવવા જરૂરી હતું. હાલ મહાદેવભારતી બાપુની તબિયત સુધરી રહી છે, પરંતુ આશ્રમના હોદ્દાઓ પરથી દૂર થવાથી તેમની ધાર્મિક અને સંગઠનાત્મક ભૂમિકા હવે સમાપ્ત થઈ ગઈ છે.





















