ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને મેયર પિન્કી સોનીએ સાંસદ ડો. હેમાંગ જોષીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે આકાશમાં ઉડતી રંગબેરંગી અને કલાત્મક પતંગો સાથે લોકસંસ્કૃતિ, પરંપરા અને ઉત્સાહનો મનોહર સંગમ જોવા મળ્યો હતો.
દેશ-વિદેશના પતંગબાજોને વડોદરાની ધરતી પર આવકારતા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લએ જણાવ્યું હતું કે, આવા ઉત્સવો ભારતની સંસ્કૃતિ અને પરંપરાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “વિકાસ ભી, વિરાસત ભી”ના સંકલ્પનો ઉલ્લેખ કરતા ઉમેર્યું હતું કે, ગત વર્ષે ગુજરાતના ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે અને વડોદરા શહેર પણ યુનેસ્કોમાં ક્રિએટીવ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે, તે ગૌરવની વાત છે.
આંતરરાષ્ટ્રીય પતંગવીરોનું વડોદરામાં આગમન ગૌરવની બાબત હોવાનું જણાવી તેમણે સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય પતંગબાજોની આ પતંગ મહોત્સવમાં સહભાગિતા પ્રક્રિયાની સમજ પૂરી પાડતા જણાવ્યું હતું કે, વિવિધ દેશોના પતંગવીરો પોતાની અનોખી કલા સાથે આ મહોત્સવને વૈશ્વિક રંગ આપે છે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, જેમ વડોદરાના ગરબા વખાણાય છે, તેવી જ રીતે પતંગોત્સવ પણ વડોદરાની ઓળખ બની રહ્યો છે.
મેયર પિન્કી સોનીએ ઉત્તરાયણના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને કેન્દ્રમાં રાખીને પ્રસંગોચિત ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રંગીન આકાશ હેઠળ ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને આત્મસાત કરે છે. પતંગોત્સવ વિવિધતામાં એકતા અને પતંગ લક્ષ્ય પણ ધ્યાન કેન્દ્રીત કરવાની શીખ આપતો હોવાનું જણાવી મેયરએ સૌની સફળતાનો પતંગ શિખરો સર કરતો રહે, તેવી સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી.
સાંસદ ડો. હેમાંગ જોષીએ પોતાના ઉદ્બોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી રહી છે. ડો. જોષીએ વડોદરાના સ્થાપત્ય, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વારસાની ચર્ચા કરતા મહાન શાસક મહારાજા સયાજીરાવ ગાયકવાડના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત અને તેના ઇતિહાસની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઉત્સવ આજે રાજ્યની વૈશ્વિક ઓળખ બની ગયો છે. પતંગ મહોત્સવ જેવા આયોજનોથી વડોદરાની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કલાત્મક ઓળખ વધુ મજબૂત બને છે અને દેશ-વિદેશના લોકો સાથે જોડાણ વધે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, યુક્રેન, ડેનમાર્ક, સ્વીડન, રશિયન ફેડરેશન, સિંગાપોર અને સાઉથ આફ્રિકા સહિત 18 દેશના ૫૨ (બાવન) પતંગબાજો અને રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, સિક્કિમ, ઓડિશા સહિત 7 રાજ્યો અને સ્થાનિક પતંગબાજો સહિત કુલ 160 પતંગબાજોએ વિવિધ આકાર,રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાડીને આકર્ષક પતંગો સાથે કરતબો બતાવી હતી, જેને વડોદરાવાસીઓએ ઘરઆંગણે માણી હતી. આ પતંગ મહોત્સવમાં ઓપરેશન સિંદુર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથેની ‘આત્મનિર્ભર ભારત’નો સંદેશો આપતી પતંગ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
પતંગ મહોત્સવના શુભારંભ પહેલા સૌ પતંગબાજોએ ગુજરાતની ગૌરવવંતી સાંસ્કૃતિક પરંપરા 'ગરબા' નિહાળ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુએ શાબ્દિક સ્વાગત સંબોધન કર્યું હતું. તેમજ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે આભારવિધિ કરી હતી. પતંગ મહોત્સવ દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ઊંધીયું, જલેબી અને ચિક્કીની જયાફત પણ માણી હતી.




















