Home International Indian Navy To Acquire Israeli Heron Mkii Drones

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ મોટો નિર્ણય : ભારતની ત્રણેય સેનામાં સામેલ થશે ઈઝરાયેલના ઘાતક હેરોન ડ્રોન

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ મોટો નિર્ણય
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 03:00 AM IST

ભારતીય સુરક્ષા દળોની તાકાતમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતીય સેના અને વાયુસેના બાદ હવે ભારતીય નૌકાદળ પણ ઈઝરાયેલની અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ થવા જઈ રહી છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ઈઝરાયેલના હેરોન માર્ક 2 ડ્રોનની કામગીરી અને પરિણામો જોઈને નૌકાદળે પણ આ ડ્રોન ખરીદવાનો નિર્ણય લીધો છે. ઈમરજન્સી ખરીદી પ્રક્રિયા હેઠળ નેવી આ ડ્રોનને પોતાના કાફલામાં સામેલ કરશે. આ ડ્રોનના આવવાથી દરિયાઈ સીમા પર નજર રાખવી અને દુશ્મનોની ગતિવિધિઓને ટ્રેક કરવી વધુ સરળ બનશે.

ભારતમાં જ થશે ડ્રોનનું ઉત્પાદન ઈઝરાયેલની દિગ્ગજ કંપની આઈ એ આઈ આ ડ્રોનનું નિર્માણ કરે છે. કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત છેલ્લા 30 વર્ષથી તેમનો એક મહત્વપૂર્ણ અને મોટો ગ્રાહક રહ્યો છે. હવે ભારતની મેક ઈન ઈન્ડિયા નીતિને પ્રોત્સાહન આપવા માટે કંપની એક મોટી યોજના પર કામ કરી રહી છે. ભવિષ્યમાં આ ડ્રોનનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. આ માટે કંપનીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ જેવી ભારતીય સંસ્થાઓ સાથે મળીને ટેકનોલોજી ટ્રાન્સફર અને મેન્યુફેક્ચરિંગ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

હેરોન માર્ક 2ની વિશેષ્તાઓ આ ડ્રોન ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ આધુનિક ગણવામાં આવે છે. હેરોન માર્ક 2 એ મિડિયમ એલ્ટિટ્યુડ લોન્ગ એન્જેયોરન્સ શ્રેણીનું ડ્રોન છે. તેનું મહત્તમ ટેકઓફ વજન 1430 કિલોગ્રામ છે. સૌથી મોટી ખાસિયત એ છે કે તે સતત 45 કલાક સુધી હવામાં ઉડી શકે છે. આ ડ્રોન 490 કિલોગ્રામ જેટલો વજનદાર સામાન કે પલોડ લઈને ઉડાન ભરી શકે છે. તેમાં વિવિધ પ્રકારના સેન્સર અને કેમેરા લગાવી શકાય છે. ખરાબ હવામાનમાં પણ તે સચોટ કામગીરી આપે છે. આ ઉપરાંત તે ઈલેક્ટ્રોનિક વોરફેર એટલે કે જામિંગ જેવી સ્થિતિમાં પણ કામ કરવા માટે સક્ષમ છે અને એન્ક્રિપ્ટેડ સેટેલાઇટ કોમ્યુનિકેશનથી સજ્જ છે.

ઈઝરાયેલને ડ્રોનની જરૂર કેમ પડી વિશ્વમાં ડ્રોન ટેકનોલોજીના વિકાસ પાછળ એક ઈતિહાસ રહેલો છે. વર્ષ 1973 ના યુદ્ધ બાદ ઈઝરાયેલને ડ્રોનની ખાસ જરૂરિયાત સમજાઈ હતી. તે સમયે સીરિયાની સેનાની રિયલ ટાઈમ મુવમેન્ટ જાણવામાં ગુપ્તચર એજન્સીઓને મુશ્કેલી પડતી હતી. જ્યારે ફાઈટર જેટ ત્યાં પહોંચતા ત્યારે દુશ્મનો જગ્યા બદલી નાખતા હતા. આ સમસ્યાના ઉકેલ માટે ઈઝરાયેલે સ્કાઉટ નામનું પહેલું ડ્રોન બનાવ્યું હતું. જેનો ઉપયોગ 1982 ના લેબનોન યુદ્ધમાં જાસૂસી અને દેખરેખ માટે ખૂબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો. ભારત અત્યાર સુધીમાં સર્ચર અને હેરોન 1 જેવા અલગ અલગ જનરેશનના ડ્રોન વસાવી ચૂક્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now