Home International Us Iran F 15 Fighter Jet Claim Fact Check

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું? : સેન્ટકોમે જાહેર કર્યું સત્ય

અમેરિકાનું F-15 ફાઈટર જેટ ઈરાને તોડી પાડ્યું?
Published by: OBS Bureau
Last Updated: Mar 22, 2026, 06:21 PM IST

ઓપરેશન એપિક ફ્યુરીમાં 8,000થી વધુ વિમાનો ઉડ્યા છતાં એકપણ શિકાર ન બન્યું હોવાનો અમેરિકાનો ખુલાસો, સોશિયલ મીડિયા પર ફેક્ટ ચેક પોસ્ટ શેર કરી

મધ્ય પૂર્વમાં વધી રહેલા ભારે તણાવ અને સંઘર્ષની સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઈરાનના તે દાવાને સખત શબ્દોમાં નકારી દીધો છે જેમાં અમેરિકન ફાઈટર જેટ F-15ને તોડી પાડવાની વાત કરવામાં આવી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા રવિવારે 22 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સેન્ટકોમે આ વાતને માત્ર એક અફવા ગણાવતા કહ્યું છે કે ઈરાની શાસન દ્વારા અમેરિકાનું કોઈ પણ વિમાન તોડી પાડવામાં આવ્યું નથી.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર અમેરિકન દળોએ 'ઓપરેશન એપિક ફ્યુરી' અંતર્ગત અત્યાર સુધીમાં 8,000થી વધુ ફાઈટર જેટ્સ ઉડાવ્યા છે. આટલી મોટી સંખ્યામાં વિમાનો કાર્યરત હોવા છતાં ઈરાન એક પણ એરક્રાફ્ટને નિશાન બનાવવામાં સફળ રહ્યું નથી. અમેરિકાએ આ માહિતી ફેક્ટ ચેક પોસ્ટ દ્વારા જાહેર કરીને ઈરાનના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે.

નોંધનીય છે કે ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે હોર્મુઝની સામુદ્રધુની નજીક ઈરાનના દક્ષિણ કિનારે એક દુશ્મન F-15 વિમાન ઘૂસણખોરી કરી રહ્યું હતું. ઈરાનની એર ડિફેન્સ ફોર્સ દ્વારા સરફેસ ટુ એર મિસાઈલ છોડીને આ વિમાનને તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાયું હતું. આ દાવાના સમર્થનમાં ઈરાન દ્વારા એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો જેને અમેરિકાએ ફગાવી દીધો છે.

ઈરાન દ્વારા આ પ્રકારના દાવાઓ અગાઉ પણ કરવામાં આવ્યા છે. શનિવારે 21 માર્ચ 2026ના રોજ ઈરાને ઈઝરાયેલના F-16 ફાઈટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. જે બાબતે ઈઝરાયેલે સ્વીકાર્યું હતું કે તેમનું જેટ મિસાઈલની લપેટમાં આવ્યું હતું પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. આ સિવાય અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટને પણ નિશાન બનાવ્યાનો દાવો ઈરાન કરી ચૂક્યું છે જેના કારણે વૈશ્વિક સ્તરે સંરક્ષણ ક્ષેત્રે ભારે ચર્ચાઓ જાગી છે. હાલમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા આ માહિતી યુદ્ધે (Information War) મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now