Ganesh Gondal Norco Test : રાજકુમાર જાટ કેસ મામલે આજે હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનવણી હાથ ધરાઈ હતી, જેમાં તપાસની પ્રગતિ અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. સુનવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જાણકારી આપતાં જણાવ્યું હતું કે આ કેસમાં SP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ટેક્નિકલ પુરાવાઓ જેમ કે CDR (કોલ ડીટેલ રેકોર્ડ), નાર્કો એનાલિસિસ ટેસ્ટ તેમજ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જોકે નાર્કો એનાલિસિસ ફરિયાદના સમર્થનમાં નથી હોવાનું પણ સરકારી વકીલે સ્પષ્ટ કર્યું હતું.
આ કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ મુદ્દાઓ તપાસ
સરકારી વકીલે જણાવ્યું હતું કે આ કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્દેશ મુજબ ત્રણ મુદ્દાઓ—ખોવાયેલાની ફરિયાદ, NC ફરિયાદ અને અકસ્માત—સંદર્ભે તપાસ કરવાની હતી. તપાસ અધિકારીએ કુલ પાંચ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ કરી છે. આ મામલો અકસ્માતનો હોવાનું સરકારી વકીલે પુનઃ દોહરાવ્યું હતું અને જણાવ્યું હતું કે NC, ખોવાયેલાની તેમજ અકસ્માત સંબંધિત ચાર્જશીટ અને રિપોર્ટ યોગ્ય કોર્ટ એટલે કે ટ્રાયલ કોર્ટ સમક્ષ ફાઇલ કરવામાં આવશે. ચાર્જશીટ સાથે તમામ દસ્તાવેજો રજૂ કરાશે અને મૃતકના પિતાને પણ તમામ કાગળિયા આપવામાં આવશે. તપાસના રેકોર્ડ સંબંધિત દસ્તાવેજો મોટી સંખ્યામાં હોવાનું પણ કોર્ટને જણાવવામાં આવ્યું હતું.
નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા!
સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, 'ગોંડલ પોલીસ મથકે નોંધાયેલી અરજીમાં કુલ 11 ઇસમોના નામ તપાસ દરમિયાન સામે આવ્યા છે, જેમાં પૂર્વ ધારાસભ્ય સાથે મારામારીની વાતનો પણ ઉલ્લેખ છે. નાર્કો ટેસ્ટ દરમિયાન કુલ 31 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં કોઈએ માર માર્યો હોવાનો કે કોઈ કાવતરું રચાયું હોવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું સરકાર પક્ષે જણાવ્યું હતું. આ તમામ બાબતોની ચાર્જશીટ ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરાશે અને ફરિયાદીને પણ રિપોર્ટ આપવામાં આવશે.
'22 CCTV ફૂટેજમાં મૃતક એકલો જ દેખાયો'
આ તરફ અરજદાર પક્ષે ગંભીર દલીલો રજૂ કરી હતી. અરજદારના વકીલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અકસ્માતમાં મૃતકના ગુદામાં ઈજા કેવી રીતે થઈ શકે અને તે વ્યક્તિ 52 કિલોમીટર કેવી રીતે ચાલી શકે? તેમણે CCTV ફૂટેજ અંગે પણ સવાલ કર્યો હતો કે કેટલાક ફૂટેજમાં મૃતક કપડાંમાં દેખાય છે તો કેટલાકમાં નગ્ન સ્થિતિમાં કેમ જોવા મળે છે. આ બાબતે સરકારી વકીલે જવાબ આપતાં જણાવ્યું હતું કે 22 CCTV ફૂટેજમાં મૃતક એકલો જ દેખાય છે અને કપડાં કોને આપ્યા તેની પણ તપાસ કરવામાં આવશે.
અરજદારના વકીલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ પર સવાલો ઉઠાવ્યા!
અરજદારના વકીલે નાર્કો એનાલિસિસ ટેસ્ટ પર પણ પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આરોપીઓ સ્વયં આગળ આવીને નાર્કો ટેસ્ટ માટે કેમ તૈયાર થયા અને કેમ માત્ર મર્યાદિત પ્રશ્નો પૂછવામાં આવ્યા. ઉપરાંત તેમણે કહ્યું હતું કે મૃતદેહ આઠ દિવસ બાદ કેવી રીતે મળ્યો, તેમજ અનેક ખૂટતી કડીઓના જવાબ હજુ મળવાના બાકી છે. આ કેસમાં વધુ સુનવણી 15 જાન્યુઆરીએ હાથ ધરાશે. અંતમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે અરજદારને પણ તપાસ રિપોર્ટ આપવામાં આવશે.




















