જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં વન વિભાગની રેસ્ક્યુ કામગીરી દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી, જેમાં ભૂલથી સિંહણને આપવામાં આવનાર ડોઝ વનકર્મીને લાગી જતા તેમનું મોત થયું છે. આ ઘટના સોમવારે વહેલી સવારે સામે આવી હતી અને સમગ્ર વન વિભાગમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ડોઝ સિંહણને બદલે તેની પાછળ ઉભેલા ટ્રૅકરને વાગ્યો
મળતી માહિતી અનુસાર, નાની મોણપરી ગામમાં એક બાળકને ફાડી ખાધેલી સિંહણને પકડવા માટે વન વિભાગની ટીમ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. સિંહણને સુરક્ષિત રીતે પકડવા માટે તેને બેભાન કરવાના હેતુથી ટ્રાંક્વીલાઈઝર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. રેસ્ક્યૂ પ્રક્રિયા દરમિયાન જ્યારે સિંહણને બેભાન કરવા માટે ડોઝ ફાયર કરવામાં આવ્યો, ત્યારે દુર્ભાગ્યવશ તે ડોઝ સિંહણને બદલે તેની પાછળ ઉભેલા ટ્રૅકર અશરફભાઈ ચૌહાણના ડાબા હાથમાં વાગ્યો હતો.
સારવાર દરમિયાન વન કર્મીનું મોત
ઘટના બનતા જ વન વિભાગના અધિકારીઓ અને ટીમના સભ્યો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અશરફભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તમામ પ્રયત્નો છતાં સોમવારની સવારે સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું હતું.
પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ
જૂનાગઢના વનસંરક્ષક ડૉ. રામરતન નાલાએ જણાવ્યું હતું કે સાસણની વેટરનરી ટીમના ડૉક્ટર દ્વારા સમગ્ર રેસ્ક્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સિંહણને બેભાન કરવા માટે ટ્રાંક્વીલાઈઝર ગનથી ડોઝ છોડવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે સિંહણના પાછળના ભાગે ટ્રૅકર અશરફભાઈ ચૌહાણ ઊભા હોવાથી આ દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો. આ ઘટનાએ વન વિભાગની રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સુરક્ષાની જરૂરિયાત ઉપર ફરી એકવાર પ્રશ્ન ઊભા કર્યા છે. એક અનુભવી વનકર્મીનું આ રીતે અકાળે અવસાન થતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે, જ્યારે વન વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે.





















