Vadodara Airport: દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને સતત ખરાબ હવામાનના કારણે આજે વહેલી સવારે દિલ્હીથી વડોદરા આવતી તથા વડોદરાથી દિલ્હી જતી અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ હવામાન પરિસ્થિતિનો સીધો પ્રભાવ વડોદરા એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જ્યાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા
મળતી માહિતી મુજબ, દિલ્હી એરપોર્ટ પર દૃશ્યતા ઘટી જવાથી એર ઇન્ડિયા એરલાઇન્સની દિલ્હી–વડોદરા ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E5066/6662 પણ ખરાબ હવામાનના કારણે ઉડાન ભરી શકી નહોતી. ફ્લાઇટ્સ રદ થતાં વડોદરાથી દિલ્હી જવા આવેલા અનેક મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. ઘણા મુસાફરો બિઝનેસ, સારવાર અને અન્ય જરૂરી કામ માટે દિલ્હી જવાના હોવાથી તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો.
ફ્લાઇટ્સ રદ થવાના સમાચાર મળતાં જ વડોદરા એરપોર્ટ પર પૂછપરછ કાઉન્ટર પર ભીડ જોવા મળી હતી.
એરલાઇન્સના કર્મચારીઓનો સંપર્ક
મુસાફરો ફ્લાઇટ અંગે માહિતી, વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ અંગે જાણકારી મેળવવા એરલાઇન્સના કર્મચારીઓનો સંપર્ક કરતા નજરે પડ્યા હતા. કેટલાક મુસાફરોને છેલ્લી ઘડીએ મુસાફરી રદ થવાથી ભારે હાલાકી વેઠવી પડી હતી.
એરલાઇન્સ દ્વારા સ્પષ્ટતા
આ મામલે એરલાઇન્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રદ થયેલી ફ્લાઇટ્સમાં આવનાર અને જનાર તમામ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે. જરૂર પડ્યે વડોદરા અથવા અમદાવાદથી દિલ્હી જતી અન્ય ઉપલબ્ધ ફ્લાઇટ્સમાં મુસાફરોને મોકલવામાં આવશે. જો કોઈ મુસાફર વૈકલ્પિક મુસાફરી ન કરવા ઈચ્છે તો તેમને ટિકિટની સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.એરલાઇન્સે મુસાફરોને સલાહ આપી છે કે, એરપોર્ટ પર પહોંચતા પહેલા પોતાની ફ્લાઇટની સ્થિતિ અંગે એરલાઇન્સની વેબસાઇટ અથવા કસ્ટમર કેર મારફતે માહિતી મેળવી લે, જેથી અનાવશ્યક અસુવિધા ટાળી શકાય.




















