બેંકો સાથે અબજો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડીને ફરાર થયેલા નીરવ મોદીની સુરત ખાતે આવેલી બંધ હીરા કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે, જેને લઈને અનેક રહસ્યમય સવાલો ઊભા થયા છે. ગત રોજ બનેલી આ ઘટનાએ ફરી એકવાર નીરવ મોદીના કારોબારને ચર્ચામાં લાવી દીધો છે. મળતી માહિતી મુજબ, સુરતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી નીરવ મોદીની હીરા ફેક્ટરી છેલ્લા પાંચથી છ વર્ષથી બંધ હાલતમાં હતી.
પાંચ વર્ષ પહેલા શીલ કરવામાં આવી હતી ફેક્ટરી
કસ્ટમ નિયમોના ભંગને કારણે આ ફેક્ટરીને લગભગ પાંચ વર્ષ પહેલા શીલ કરવામાં આવી હતી. આવી બંધ અને શીલ કરાયેલી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ઘટનાએ ગંભીર શંકાઓ ઊભી કરી છે. આગ ફેક્ટરીના પહેલા માળે લાગી હતી, જ્યાં દસ્તાવેજી કાગળો, મહત્વપૂર્ણ ઓફિસ ફાઇલો અને રેકોર્ડ રાખવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ ભેસ્તાન ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય
જો કે, ઘણા વર્ષોથી બંધ ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગી તે બાબત મોટો પ્રશ્ન બની છે. આગની આડમાં કોઈ મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેમ, તે દિશામાં તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઓફિસ દસ્તાવેજો અને વર્ક ફાઇલોને આગમાં નુકસાન પહોંચ્યું હોવાને કારણે શંકા વધુ ગાઢ બની છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી હાલ લંડનમાં છે અને ભારતની વિવિધ તપાસ એજન્સીઓ તેની સામે કાર્યવાહી કરી રહી છે. આવી પરિસ્થિતિમાં સુરતની બંધ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના માત્ર અકસ્માત છે કે કોઈ સુનિયોજિત પ્રયાસ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ આ ઘટના સુરત સહિત સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે.




















