Gandhinagar Epidemic : ગાંધીનગરમાં પીવાના દૂષિત પાણીના કારણે રોગચાળાનો હાહાકાર મચ્યો છે. ટાઈફોઈડના વધતા કેસો વચ્ચે એક બાળકનું શંકાસ્પદ મોત થતાં ચિંતા વધુ ઘેરાઈ છે, જ્યારે બે દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ જિલ્લામાં કુલ 152 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 કેસ ટાઈફોઈડ પોઝિટિવ નોંધાયા છે.
તાત્કાલિક વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી
રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડની ભારે અછત સર્જાઈ હતી, જેના પગલે સત્તાધીશોને તાત્કાલિક વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને બાળ વિભાગમાં પથારીઓ ખૂટી પડતાં બાળકો માટે અલગ વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જતા આરોગ્ય તંત્ર પર દબાણ વધી રહ્યું છે.
જીવલેણ રોગચાળો ફેલાયો
મળતી માહિતી મુજબ, પીવાના પાણીમાં ગંદકી ભળવાના કારણે આ જીવલેણ રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જેના કારણે સમગ્ર ગાંધીનગર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોમાં પાણીની શુદ્ધતા અંગે ગંભીર ચિંતા જોવા મળી રહી છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ શું કહ્યું?
આ મામલે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પરીખે જણાવ્યું હતું કે શંકાસ્પદ મોત પામનાર એક બાળક દહેગામનો રહેવાસી હતો, જ્યારે બીજી બાળકીનું આજે સવારે મોત થયું હતું, જે ગાંધીનગરના સેક્ટર-28 (આદિવાડા) વિસ્તારની હતી. આરોગ્ય વિભાગ દ્વારા પાણીના નમૂનાઓ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને રોગચાળો કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.





















