DyCM Harsh Sanghvi : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના જન્મદિવસના પ્રસંગે રાજ્ય માટે કેટલાક મહત્વના અને કડક સંકલ્પ જાહેર કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગૌ હત્યારાઓ સામે વધુ સખત કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકોને કડક સજા અપાવવાનો તેમનો દ્રઢ સંકલ્પ છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, “મારો સંકલ્પ છે કે આ વર્ષે ગૌ હત્યા કરનારાઓને વધુ કડક સજા કરાવીશું.”
'આ દિશામાં વધુ અસરકારક પગલાં લેવાશે'
નાયબ મુખ્યમંત્રીએ મહિલાઓ અને બાળકીઓ પર થતા અત્યાચાર અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા કેસોમાં ન્યાય ઝડપથી મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફતે ઝડપથી સજા આપવામાં આવે તે માટે સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આ દિશામાં વધુ અસરકારક પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
'ડ્રગ્સ દૂષણ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે'
ડ્રગ્સના દૂષણ સામે પણ DyCM હર્ષ સંઘવીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ડ્રગ્સ દૂષણ ફેલાવનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને દરેક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે પોલીસની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, ગઈકાલે સમગ્ર ગુજરાતભરમાં ડ્રગ્સ સહિતના ગુનાઓ સામે 8 જેટલા મોટા ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે, જે બદલ તેમણે પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.




















