અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દ્રશ્યમ ફિલ્મ જેવી એક વર્ષ પહેલાની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. હકીકતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળેલી બાતમીના આધારે સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં એક વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સમીર બિહારીની તેની પત્ની અને પત્નીના પ્રેમી ઇમરાન અકબરભાઈ વાઘેલા દ્વારા હત્યા કરવામાં આવી હતી. એટલુ જ નહીં પણ કોઈ પુરાવા ના મળે તે માટે ફિલ્મી અંદાજમાં તેની લાશને પોતાના જ ઘરમાં દાટી દેવામાં આવી હતી.
કેવી રીતે ઉકેલ્યો કેસ
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, સરખેજ ફતેવાડી કેનાલ વિસ્તારમાં રહેતા સમીર બિહારીની હત્યા તેની પત્ની અને તેના પ્રેમી ઇમરાન વાઘેલા દ્વારા એક વર્ષ પહેલા કરવામાં આવેલ છે. એટલું જ નહીં, સમીર બિહારીની લાશ તેના જ ઘરમાં દાટી દેવામાં આવી હતી. આ બાતમી આધારે સૌપ્રથમ માહિતીની પુષ્ટિ કરવામાં આવી અને સમીર બિહારી વિશે જાણકારી મેળવવામાં આવી હતી. બાતમી સાચી હોવાની ખાતરી થતાં, ઇમરાન વાઘેલાને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરવામાં આવી હતી.
આ પૂછપરછ દરમિયાન ઈમરાન વાઘેલાએ ગુનાની કબૂલાત કરી અને લાશ જે જગ્યાએ દાટી હતી તે જગ્યા બતાવી હતી. એક્ઝીક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં લાશ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં લાશના અવશેષો મળી આવ્યા હતા. આ માનવ અવશેષોને ફોરેન્સિક તપાસ અને ડી.એન.એ. લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપી વિરુદ્ધ હત્યા અને પુરાવા નાશ અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ઇમરાન વાઘેલાની અટકાયત કરવામાં આવી છે અને 5 નવેમ્બરે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મરણજનારની પત્ની અને અન્ય આરોપીઓને અટકાયત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
પત્ની સાથે મારઝૂડ કરતો અને પ્રેમ સંબંધમાં નડતરરૂપ હતો સમીર
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, મરણજનાર સમીર બિહારીનું ખરું નામ મો. ઇસરાઇલ અકબરઅલી અંસારી છે. તે અમદાવાદમાં બે બાળકો અને પત્ની સાથે રહેતો હતો. પૂછપરછમાં એમ પણ જાણવા મળ્યું કે, સમીર તેની પત્નીને મારઝૂડ કરતો હતો અને તેમના પ્રેમ સંબંધમાં નડતરરૂપ હતો, જેથી છરી વડે ગળાના ભાગે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપી દ્વારા હત્યાનો બનાવની જાણ ન થાય તે માટે સમીરની લાશને તેના જ ઘરમાં રસોડાના પ્લેટફોર્મની નીચેના ભાગે ખાડો ખોદી દાટી દીધી હતી અને તેના પર સિમેન્ટ તથા ટાઇલ્સથી ફ્લોરિંગ કરી દેવામાં આવ્યું હતું.
આ ગુનામાં ઇમરાન સાથે સમીરની પત્ની અને અન્ય બે વ્યક્તિઓ પણ સામેલ હતી, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે.





















