Home International Drdo Successful Test Of Indigenous Fighter Jet Ejection Seat In Chandigarh India Creates History

ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક દિવસ : ફાઈટર પાયલોટનો જીવ બચાવતી સ્વદેશી સીટનો ટેસ્ટ PASS

ભારતીય વાયુસેના માટે ઐતિહાસિક દિવસ
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 04:57 PM IST

ભારતીય સંરક્ષણ ક્ષેત્રે મંગળવારે એક નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. યુદ્ધના મેદાનમાં કે પ્રેક્ટિસ દરમિયાન ફાઈટર પ્લેનમાં ખરાબી સર્જાય ત્યારે પાયલટનો જીવ બચાવવો સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. આ દિશામાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન એટલે કે ડીઆરડીઓ દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવી છે. 2 ડિસેમ્બર 2025ના રોજ ચંડીગઢ ખાતે ફાઈટર એરક્રાફ્ટ માટે તૈયાર કરવામાં આવેલી ખાસ ઈજેક્શન સીટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ અત્યાધુનિક સીટ સંપૂર્ણપણે ભારતમાં જ વિકસાવવામાં આવી છે જે દેશની આત્મનિર્ભરતાની સાબિત કરે છે.

સામાન્ય રીતે અત્યાર સુધી ભારતીય વાયુસેનાના વિમાનોમાં માર્ટિન બેકર જેવી વિદેશી કંપનીઓની સીટનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે ભારતે આ મોનોપોલી તોડી નાખી છે. ચંડીગઢ સ્થિત ટર્મિનલ બેલિસ્ટિક રિસર્ચ લેબોરેટરી ખાતે 800 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ આ સીટનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે કોઈ વિમાન ક્રેશ થવાની અણી પર હોય ત્યારે પાયલટ આ સીટની મદદથી હવામાં ફંગોળાઈને સુરક્ષિત નીચે ઉતરી શકે છે. આટલી તેજ ગતિએ ડાયનામિક ટેસ્ટ કરવાની ક્ષમતા અત્યાર સુધી માત્ર અમેરિકા અને રશિયા તથા ફ્રાન્સ પાસે જ હતી. હવે ભારત પણ આ શક્તિશાળી દેશોની હરોળમાં આવી ગયું છે.

આ પરીક્ષણ દરમિયાન એ બાબતની ખાસ ચકાસણી કરવામાં આવી હતી કે પાયલટ કોકપિટનું કવર તોડીને કેવી રીતે બહાર નીકળશે અને પેરાશૂટ ખુલવાની પ્રક્રિયા કેટલી ઝડપી હશે. ગ્રાઉન્ડ ઈમેજિંગ સિસ્ટમ અને સેન્સર દ્વારા આખી પ્રક્રિયા પર બારીકાઈથી નજર રાખવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય વાયુસેના અને એરોસ્પેસ મેડિસિન સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સફળતા બાદ હવે મેડ ઈન ઈન્ડિયા તેજસ અને ભવિષ્યમાં આવનારા એએમસીએ જેવા ફાઈટર જેટમાં આ સ્વદેશી સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે જેનાથી પાયલટોની સુરક્ષામાં વધારો થશે.

દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ડીઆરડીઓ અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સહિતની તમામ સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારત હવે સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બની રહ્યું છે અને આ ટેસ્ટ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ડીઆરડીઓના ચેરમેન ડોક્ટર સમીર વી કામતે પણ પોતાની ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ ટેસ્ટ સફળ થવાથી હવે વિદેશી ટેકનોલોજી પર ભારતની નિર્ભરતા ઘટશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now