અમદાવાદમાં 6 સપ્ટેમ્બરની રાતથી જ મેઘરાજાની ધસમસતી એન્ટ્રી થઈ છે. રાત્રીના પડેલા ધોધમાર વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક ઝડપથી વધી રહી છે. ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા, વાસણા બેરેજમાંથી પણ પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં બેરેજના 30માંથી 28 દરવાજા ખોલી દેવાયા છે અને આશરે 32,410 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
નાગરિકોને ચેતવણી
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અપીલ કરી છે કે અમદાવાદીઓ નદી કિનારે કે રિવરફ્રન્ટના વોકવે પર ન જાય. ધરોઈ ડેમમાંથી અંદાજે 95,000 ક્યુસેક પાણી છોડાયું છે જ્યારે સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી મુક્ત કરાયું છે. આમાંથી મોટો હિસ્સો અમદાવાદમાં આજે બપોર સુધી પહોંચશે.
શહેરમાં વરસાદનો અહેવાલ
મોડી રાત્રે 2 થી 4 વાગ્યા વચ્ચે અમદાવાદમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
1.5 ઇંચ વરસાદ : સરખેજ, એસજી હાઈવે, ચાંદખેડા, નરોડા, કોતરપુર, મણીનગર, કાંકરિયા વિસ્તારો
લગભગ 1 ઇંચ વરસાદ : બોપલ, સેટેલાઈટ, પ્રહલાદનગર, વસ્ત્રાપુર, મેમનગર, સાયન્સ સિટી, નારણપુરા, રાણીપ સહિતના વિસ્તારો
વહેલી સવારે પણ વરસાદ યથાવત રહ્યો હતો. થલતેજમાં એક કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે ચાંદખેડા, મોટેરા અને સાયન્સ સિટી વિસ્તારમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે.
રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
હવામાન વિભાગે આજે, 7 સપ્ટેમ્બરે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અન્ય જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે મુખ્ય સચિવ પંકજ જોષીની અધ્યક્ષતામાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.