કોંગ્રેસના અગ્રણીઓ ગણાતા નેતા પરેશ ધાનાણી ફરી એકવાર પોતાના અનોખા અને શાયરના અંદાજમાં ચર્ચામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં એક ટ્વીટ કરીને ખેડૂતોની વેદના કવિના રૂપમાં વ્યક્ત કરી છે. પાક નિષ્ફળતા અને ખેડૂતોની આર્થિક હાલત અંગે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કરતાં પરેશ ધાનાણીએ કહ્યું છે કે, રાજ્ય સરકાર માત્ર વચનો આપે છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નોનું વાસ્તવિક નિરાકરણ લાવવા કોઈ ગંભીર પગલાં નથી ભરતી''.
શાયરના અંદાજમાં પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં કવિતાના સ્વરૂપમાં સરકારને પ્રશ્ન કર્યો છે. તેમના આ શબ્દો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા છે અને ઘણા ખેડૂતો તેમજ રાજકીય કાર્યકરો તેમની સાથે સહમતી વ્યક્ત કરી રહ્યા છે.
કાવ્યમય પ્રહાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય
કોંગ્રેસ નેતા ધાનાણીએ આ ટ્વીટ દ્વારા સરકાર પર ખેડૂતોના દેવા માફ ન કરવા મુદ્દે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે પાક નિષ્ફળ જતા ખેડૂતો ભારે આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યા છે, છતાં સરકાર માત્ર જાહેરાતો અને આશ્વાસન આપે છે, પણ અમલના નામે શૂન્ય છે. પરેશ ધાનાણીનો આ કાવ્યમય પ્રહાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ઘણા લોકો તેમના આ અભિગમને ખેડૂતોના દુઃખને અવાજ આપવાનો સચોટ પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષે આને માત્ર રાજકીય સ્ટન્ટ ગણી રહ્યાં છે.
પરેશ ધાનાણીએ એક ટ્વીટમાં લખ્યું છે કે,
" 'જન-પ્રતીનિધી, જવાબદારી ઉઠાવો'
જન-પ્રતીનિધિને જવાબદાર બનાવો,
હવે ખેડૂતોના બધાય દેવા માફ કરાવો,
સૌના રાજકીય આંચળા ધરે જ ઉતરાવો,
પાક નુકસાનીનુ સંપૂર્ણ વળતર ચુકવાવો,
બધાય સરપંચોનો દરવાજો ખખડાવો,
ગામે-ગામ જાહેરમાં ગ્રામસભા બોલાવો,
ગામે-ગામની પંચાયતોમા ઠરાવ કરાવો,
નુકસાની અને ખેડૂત દેવાની નોંધ ટપકાવો,
તાલુકા-જીલ્લા પંચાયતના સભ્યોને જગાવો,
ગ્રામસભાઓમાં દેવામાફીના નારા લગાવડાવો,
સૌ ધારાસભ્ય અને સાંસદોના ધરે ધરે જાઓ,
સંપૂર્ણ દેવામાફીના જાહેર પત્રો લખાવડાવો,
તાજી હોય કે માજી સૌના મોઢા ખોલાવો,
હોય આપ-બાપ કે કોંગ્રેસ, સૌને સાથે લાવો,
સૌ જન પ્રતીનિધિઓ, હવે જાતે સુધરી જાઓ,
જે ના સમજે ઈ બધાને શાનમાં સમજાવો.!''
જ્યારે બીજી ટ્વીટમાં લખ્યું કે,
""ખેતી બચાવો સત્યાગ્રહ""
હાલ દિવાળીએ થઈ ગઈ છે હોળીને
ખેડૂતોના સપના થયા છે ધુળ ધાણી,
છે આભલે ઘન-ઘોર વાદળો છવાયાને
સાત-સાત દી' થી હજુ સુરજ ખોવાયા,
ચોંધાર વરસાદે ઉભા મોલ તો મુરઝાયાને
હતા ખેતરમા પડેલા પાથરા પણ તણાયા,
માંડવીના દાણે દાણે ફુટી ગઈ મુંછોને
કપાસના ઝીંડવે કાઢ્યા છે ફરી કોટા,
ઠાલા વચનોથી હજુ કરજ નો ભરાયાને
ત્યાં સુકી સીંગે ફરીથી ઉગી ગયા સોયા,
ખેડૂતોની સાવ ખાલી રહી ગઈ છે ઝોળીને
તોય સર્વેના નાટક કરે છે મંત્રીઓની ટોળી,
જુના પેકેજ તો ભલે સાવ ભુલાયા પણ
હવે તો ખેડૂતોના આંસુ લુંછો મારા રોયા,
હવે ખેડૂતોના કરજો બધાય દેવા માફ,
નહી તો થઈ જશે કાદવ બધોય સાફ.!''





















