જૂનાગઢ અને સોમનાથ જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનની મુલાકાત માટે મુખ્યમંત્રી પહોંચ્યા હતા. આ મુલાકાતને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ખેતરોમાં ફરવા કરતા કૃષિ ભવનમાં આંટો મારે તો ખેડૂતોની વાસ્તવિક હાલત અને સરકારની ખામીઓ તેમની નજરે ચડે'.
'ફાઈલો હાથમાં લેવાની જરૂર છે'
પાલ આંબલિયાએ મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “તમારે પલડેલા પાક નહીં, પરંતુ ખેડૂત કલ્યાણલક્ષી ફાઈલો હાથમાં લેવાની જરૂર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો મુખ્યમંત્રી કૃષિ ભવનમાં આંટો માર્યો હોત તો પાક વિમા યોજના બંધ કર્યાનું પાપ અને ખેડૂતોની મુશ્કેલીઓ સ્પષ્ટ દેખાત. તેમણે આક્ષેપ કર્યો કે 35 થી 40 હજાર કરોડના પાક વિમા ભ્રષ્ટાચાર છતાં સરકારે કોઈ પગલાં લીધા નથી.
'...તો ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ મૃત અવસ્થામાં જોવા મળત'
કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે “જો તમે કૃષિ ભવનમાં આંટો માર્યો હોત તો ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ મૃત અવસ્થામાં જોવા મળત, 2016નો અછતગ્રસ્ત મેન્યુઅલ તમારું ધ્યાન ખેંચત અને સમજાત કે છેલ્લા 7 વર્ષમાં ખેડૂતો માટે જાહેરાતો કેટલી કરી અને આપ્યું કેટલું.”
'સરકારના બન્ને એન્જીન ખેડૂતો માટે પાકની જેમ જ સડી ગયા છે'
પાલ આંબલિયાએ ડબલ એન્જીન સરકાર પર પણ કટાક્ષ કરતા કહ્યું કે “સરકારના બન્ને એન્જીન ખેડૂતો માટે પાકની જેમ જ સડી ગયા છે.” તેમણે ઉમેર્યું કે “સરકાર ખેડૂતોની આંખ ફોડીને ચશ્માંનું દાન કરે છે, અને દેવું માફ કરવાની જગ્યાએ ખાલી જાહેરાતો કરે છે.”
'હે મુખ્યમંત્રી, રાજધર્મ નિભાવો!'
અંતે તેમણે મુખ્યમંત્રીને સીધી અપીલ કરતા કહ્યું કે, “હે મુખ્યમંત્રી, રાજધર્મ નિભાવો! ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો. મૂર્ખ નહીં, મૃદુ થાઓ; મમત છોડો અને મક્કમ થાઓ.”





















