મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 7 નવેમ્બરે આદ્યશક્તિધામ અંબાજીથી "જનજાતીય ગૌરવ યાત્રા"નો શુભારંભ કરાવશે. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનના નેતૃત્વમાં આ વર્ષ “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવાઈ રહ્યું છે.
‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાના અંબાજીથી પ્રારંભ અવસરે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યમંત્રી સર્વ પી. સી. બરંડા, કમલેશભાઈ પટેલ, પ્રવિણભાઈ માળી તથા સ્વરુપજી ઠાકોર આ ઉપસ્થિતિ રહેશે. આ યાત્રા ઉત્તર ગુજરાતના આદિજાતિ વિસ્તાર અંબાજી અને દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી, એમ બે સ્થળોએથી 7 થી 13 નવેમ્બર સુધી યોજાશે. આ દરમિયાન 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશને આ યાત્રા જન જન સુધી પ્રસરાવશે.
યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે. એટલું જ નહિ, રથયાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે. આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે.
‘વિકાસ ભી, વિરાસત ભી’
14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસની રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ડેડિયાપાડામાં દેવમોગરા માતાજીના સાનિધ્યમાં થશે. રાજ્ય સરકારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો લક્ષ્યાંક પાર પાડવા અંતરિયાળ અને છેવાડાના ગામોના પ્રત્યેક આદિજાતિ બાંધવો વિકાસની રાહમાં અગ્રેસર રહેવાની નેમ રાખી છે. આ માટે આદિજાતિઓને વિકાસની મુખ્ય ધારામાં લાવીને રાષ્ટ્રનિર્માણમાં તેમને જોડવામાં આ જનજાતીય ગૌરવ રથયાત્રા મહત્વની બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાનએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરતી આ રથયાત્રાથી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્ય બનાવવા તેમજ ભગવાન બિરસા મુંડાએ આપેલા ‘આપણો દેશ, આપણું રાજ’ના સૂત્રને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના નિર્માણથી ચરિતાર્થ કરવાનું પણ મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યુ છે.





















