સુરતના દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા આસારામ બાપૂને ગુજરાત હાઇકોર્ટે છ મહિનાના રેગ્યુલર જામીન મંજુર કર્યા છે. 86 વર્ષીય આસારામને આરોગ્ય સંબંધિત ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોધપુર હાઇકોર્ટે પહેલાથી જ છ મહિનાના જામીન આપ્યા હતા, જેના આધારે ગુજરાત હાઇકોર્ટે પણ સમાન નિર્ણય આપ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે શું નોંધ્યું?
ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, જો જોધપુર હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપ્યા છે, તો ગુજરાત હાઇકોર્ટ તેની વિરુદ્ધ કોઈ અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. એટલે કે, એક જ આરોપી માટે બે અલગ રાજ્યોની અદાલતોમાં વિરુદ્ધ નિર્ણય આપવો યોગ્ય નહીં ગણાય.
આસારામના હંગામી જામીન ચાર વખત લંબાવ્યા હતા
સરકાર પક્ષે દલીલ કરી હતી કે જો જોધપુર જેલમાં જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તો આસારામને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરીને ત્યાં સારવાર આપવામાં આવે. તેમ છતાં હાઇકોર્ટે કહ્યું કે, હાલમાં જામીનની શરતો મુજબ આસારામની સારવાર અને દેખરેખ યોગ્ય રીતે થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે આ પહેલાં આસારામના હંગામી જામીન ચાર વખત લંબાવ્યા હતા, પરંતુ હવે તેની નિયમિત જામીન અરજી મંજુર કરવામાં આવી છે.
બે રાજ્યમાં ચાલે છે કેસ
કોર્ટના નિર્ણય મુજબ, જો રાજસ્થાન સરકાર આ જામીનના આદેશને ચેલેન્જ કરશે, તો ગુજરાત સરકારને પણ તેમાં જોડાવાનો અધિકાર રહેશે. આસારામ હાલમાં સુરત અને જોધપુર બંને દુષ્કર્મ કેસોમાં દોષિત ઠરાવવામાં આવ્યો છે, પરંતુ આરોગ્યની નાજુક પરિસ્થિતિને કારણે તેને અસ્થાયી રાહત મળી છે.





















