Rajpipla Tiger Remains : રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાંથી મળેલા વન્ય પ્રાણીના ચામડા અને નખને લઈને હાલ ચર્ચાનો માહોલ સર્જાયો છે. મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી મળેલા આ ચામડા અને નખ વાઘના હોવાનું પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું હતું, જોકે નર્મદા વન વિભાગે પ્રાથમિક તપાસ બાદ તેને નકલી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમ છતાં સાચી હકીકત હવે એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટ બાદ જ સામે આવશે.
DFO અભય સિંહએ શું કહ્યું?
નર્મદા વન વિભાગના DFO અભય સિંહે જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ આ ચામડા અને નખ નકલી હોવાનું લાગી રહ્યું છે. તપાસ દરમિયાન ચામડાનો રંગ પણ નીકળતો નહોતો અને તેનો પ્રકાર પણ સ્પષ્ટ રીતે ઓળખી શકાય એવો નહોતો, જેના કારણે તે નકલી હોવાનું અનુમાન છે.
(DFO અભય સિંહ)
FSL રિપોર્ટ બાદ અસલી કે નકલી તે જાણવા મળશે!
DFO અભય સિંહે વધુમાં જણાવ્યું કે, ચામડા અને નખની સંપૂર્ણ અને વૈજ્ઞાનિક તપાસ માટે તેને હૈદરાબાદ સ્થિત FSLમાં મોકલી આપવામાં આવ્યા છે. FSL રિપોર્ટ આવવામાં અંદાજે ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મળેલા ચામડા અને નખ વાસ્તવમાં વન્ય પ્રાણીના છે કે પછી નકલી છે. આ ઉપરાંત વન્ય પ્રાણીના ચામડા અને નખ ક્યાંથી અને કેવી રીતે મંદિરના રૂમ સુધી પહોંચ્યા તે દિશામાં પણ વન વિભાગ દ્વારા તપાસ ચાલુ રાખવામાં આવી છે. હાલ તો ડીએફઓના જણાવ્યા મુજબ એફએસએલ રિપોર્ટ આવ્યા પછી જ આ સમગ્ર મામલે સાચી હકીકત બહાર આવશે અને ચામડા તથા નખ નકલી છે કે અસલી તે અંગે ચોક્કસતા થશે.




















