Ahmedabad Corporation Action : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો અને બાકી ટેક્સ વસૂલાત સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાલુપુર વિસ્તારમાં આવેલા રેવડી બજારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ કૂવા દરવાજા પાસે આવેલા રેવડી બજારમાં રોડ પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી સાત જેટલી દુકાનો તોડી પાડવામાં આવી હતી, જેના કારણે અંદાજે 4200 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ તોડી પાડવામાં આવ્યા
આ કાર્યવાહીથી પાંચકુવા ફાયર સ્ટેશન નજીકના મુખ્ય રોડ પર વિશાળ જગ્યા ખુલ્લી થઈ જતા વાહનવ્યવહાર અને જાહેર સુવિધામાં સુધારો થશે. તે ઉપરાંત શહેરના અસારવા વિસ્તારમાં આવેલા અભિષેક એસ્ટેટ વિભાગ-1માં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા સેકન્ડ ફ્લોરના અંદાજે 5000 ચોરસ ફૂટના પાંચ જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ પણ તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ ન ભરનારા મિલકતધારકો સામે સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અનેક વખત નોટિસ આપ્યા છતાં ટેક્સ ભરવામાં ન આવતા પૂર્વ ઝોનના લાંભા, અમરાઈવાડી, મણીનગર, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં આવેલી મિલકતોને સીલ કરવામાં આવી છે.
ટેક્સ વિભાગ દ્વારા પણ કડક પગલાં
દક્ષિણ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા પણ કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં લાંભા વિસ્તારમાં સંઘાણી ઉપવન, અમરાઈવાડીમાં સ્વસ્તિક મોલ, દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ સામે આવેલ ગુડલક કેરલ એન્ડ ટીન માર્કેટ, નારોલ-સરખેજ રોડ પર આવેલી રાહત હોટેલ, ગીતામંદિર રોડ પર આવેલી સરકારી લાટી નંબર-1 તેમજ મણિનગરમાં આવેલી પ્રેમ સાગર એપાર્ટમેન્ટ સહિતની મિલકતો પર બાકી ટેક્સ હોવાના કારણે સીલ લગાવવામાં આવી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ટેક્સ બાકી રાખનારાઓ સામે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે.




















