અમદાવાદમાં ‘તારા લીધે મારો ભાઈ મરી ગયો છે’ કહીને પતિએ જાહેરમાં પત્ની પર ઘાતક હુમલો કરીને ગળા સહિતના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. પતિએ પત્નીને વાળ પકડીને જાહેર રોડ પર ઢસડી હતી અને બાદમાં ગળામાં તેમજ શરીર પર ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા. આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
ગળા-ખભાના ભાગે 75 ટાંકા આવ્યા
હુમલા સમયે ત્રણ વ્યક્તિએ વચ્ચે પડીને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં હેવાન પતિએ પત્નીને છોડી નહોતી અને માર મારતો રહ્યો હતો. હાલમાં યુવતીની અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર છે. તબીબોએ ગળા-ખભાના ભાગે 75 ટાંકા લીધા છે. પતિના ત્રાસને કારણે મહિલા છેલ્લા 6 મહિનાથી તેના પિયરમાં રહેતી હતી. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
'મારું ગળું કાપી દીધું'
ઈજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું કે, મારા પતિને છૂટાછેડા આપવા હતા, પરંતુ મેં ના પાડી હતી. જેથી મારા પતિએ મારા પર પાછળથી હુમલો કર્યો હતો. જે બાદ મારું ગળું કાપી દીધું હતું. લોકોએ મને છોડાવી હોસ્પિટલ મોકલી હતી. યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, અમારી દીકરી ચાર મહિનાથી સાસરીમાંથી પરત આવી હતી. તેને સાસરીવાળા શરૂઆતમાં સારી રીતે રાખતા હતા, પરંતુ બાદમાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.





















