ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. ત્યારે આ મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજકીય નિવદનબાજીનો દોર ચલાવી રહ્યાં છે. AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ભાજપ અને કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપના પ્રદેશ પ્રમુખે થોડા દિવસ પહેલા કહ્યું કે “દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરી રહ્યા છે.” તો હું એમને એટલું જ કહેવા માગું છું કે ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂતો પર ડંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં પરંતુ આખા ભારતના નેતાઓ ખેડૂતોને વહારે આવશે. હમણાં માવઠું થયું અને સરકાર મિટિંગો ઉપર મીટીંગ કરે છે પરંતુ નક્કી કરી શકતા નથી કે ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવશે''
'ભાજપના લોકો ભાષણો કરવામાં તો શૂરા છે'
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, 'ભાજપના પ્રદેશ પ્રમુખ ભાષણો કરવામાં તો શૂરા છે તો તમે જાઓ તમારી સરકારોને કહો કે ખેડૂતોને કેટલું વળતર ચૂકવવાના છો. હકીકત એ છે કે આ લોકોને કશું ખબર નથી અને ફક્ત આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતા પણ જોડાયા હતા. કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને કહ્યું કે ગોપાલ ઇટાલીયાએ ઓછા વળતરની માંગણી કરી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની 10 વર્ષની સરકાર હતી ત્યારે હેક્ટર દીઠ 50000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હતી અને પંજાબમાં પણ ખેડૂતોને નુકસાનની સામે હેક્ટરદીઠ 50000 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે છે. એટલે કે AAP પોતે બીજા રાજ્યોમાં વાસ્તવિક રીતે જેટલી રકમ ચૂકવે છે એટલી જ રકમની માંગણી ગુજરાતમાં કરવામાં આવી છે'.
'અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંનેની મસ્ત દુકાન ચાલતી હતી'
તેમણે કહ્યું કે, 'જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં એ સરકારોએ ખેડૂતોનું કેટલું ભલું કર્યું છે એ વિષે કંઈ બોલવા જેવું પણ નથી અને આ કોંગ્રેસના લોકો મારો વિરોધ કરવા નીકળ્યા છે!! તો હવે આમ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઈ ગયા છે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બંનેની મસ્ત દુકાન ચાલતી હતી અને કોઈપણ પ્રકારના ભાગ બટાઈમાં પણ કોઈ વાંધો ન હતો. પરંતુ જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને આશીર્વાદ આપ્યા અને ધારાસભ્ય બનાવ્યો ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ રેડાયું છે. એટલા માટે ભાજપ અને કોંગ્રેસ બંને આમ આદમી પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે. ભાજપએ ભૂલી ગઈ છે કે તે સત્તામાં છે અને કોંગ્રેસ ભૂલી ગઈ છે કે હમણાં સુધી એ લોકો પોતે વિપક્ષમાં હતા'





















