Dahod Chinese rope accident: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ચાઈનીઝ દોરીના કારણે ફરી એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે. ખાકરીડુગરી ગામના રાજેશ ડાંગી નામના યુવક મિત્ર સાથે મોટરસાયકલ પર લીમખેડા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર લટકતી ચાઈનીઝ દોરી તેમના ચહેરા પર વાગી હતી. આ કારણે રાજેશને હોઠના અંદર-બહારના ભાગે ગંભીર ઈજા થઈ, જેમાં ભારે રક્તસ્રાવ થયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી યુવકને લીમખેડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો. તબીબોએ સારવાર દરમિયાન કુલ 15 ટાંકા લીધા.
સ્થાનિક લોકોમાં ભારે રોષ
ડોક્ટર્સના જણાવ્યા મુજબ, ઈજા ગંભીર હોવા છતાં સમયસર સારવાર મળતાં યુવકની હાલત હવે સ્થિર છે અને તે સારવાર હેઠળ છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની જીવલેણ ખતરાને ઉજાગર કર્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને તેઓએ પ્રશાસન પાસે વેચાણ તેમજ ઉપયોગ પર કડક કાર્યવાહીની માંગ કરી છે. ચાઈનીઝ દોરી માત્ર માનવજીવને જ નહીં, પરંતુ પક્ષીઓ અને પશુઓને પણ જોખમમાં મૂકે છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણની આસપાસ આવી ઘટનાઓ વધી જાય છે, જેને રોકવા સરકારે પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ તેનો અમલ હજુ અપૂરતો છે.




















