અમદાવાદ જિલ્લાના બાવળા–સાણંદ વિસ્તારમા બે અલગ અલગ આત્મહત્યાની ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે. ચાંગોદર વિસ્તારમાં રહેતા એક શ્રમિકની પત્નીએ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ જીવન અંત લાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં બાવળા–સાણંદ રોડ પર આવેલી ફેક્ટરીમાં એક યુવકનો લટકતો મૃતદેહ મળ્યો છે.
પ્રથમ ઘટનામાં ફરિયાદી ગુલાબસિંગ રાજારામ યાદવ, હાલ નિવાસી ચાંગોદર, ડી-201 સુખ શાંતિ ફ્લેટમાં પરિવાર સાથે છેલ્લા 12 વર્ષથી રહેતા હતા અને મોરૈયા ગામ ખાતે આવેલી સ્ટીફો ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા હતા. તેમના લગ્ન સાત વર્ષ પૂર્વે સરિતા દેવી સાથે થયા હતા અને તેમને બે નાની દીકરીઓ છે.
2 જાન્યુઆરી 2026 ના રોજ સવારે નોકરી પર ગયા બાદ પત્ની દ્વારા ફોન ન ઉઠાવાતા અને ફ્લેટનો દરવાજો બંધ રહેતા શંકા જતા તેઓ ઘરે પહોંચ્યા હતા. દરવાજો તોડતા અંદર પત્ની સરિતા દેવી સિલિંગ ફેન સાથે દુપટ્ટાથી લટકેલી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક 112 પર જાણ કરવામાં આવી હતી, પરંતુ તપાસમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે ચાંગોદર પોલીસ દ્વારા અગમ્ય કારણસર આત્મહત્યા તરીકે નોંધ લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
બાવળા–સાણંદ રોડ બીજો આપઘાત
બીજી ઘટનામાં બાવળા–સાણંદ રોડ પર આવેલી રાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારે 22 વર્ષના યુવક બનારસી કુમારનો લટકતો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં યુવકનું મૃત્યુ થયેલું હોવાનું નિશ્ચિત થયું. ત્યારબાદ ચાંગોદર પોલીસને જાણ કરવામાં આવતા મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક જ વિસ્તારમાં ટૂંકા ગાળામાં બે આત્મહત્યાની ઘટનાઓથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ બંને બનાવોમાં કારણોની તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો બહાર આવશે.




















