Virat Kohli : ક્રિકેટ જગતના ‘કિંગ’ વિરાટ કોહલીના કરોડો ચાહકો છે. વિરાટ કોહલી જેવી સ્ટાઇલ, તેનો એગ્રેશન અને તેના જેવા દેખાવાનું સપનું અનેક યુવાનો જોતા હોય છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે, જેને જોઈને ખુદ વિરાટ કોહલી પણ એક ક્ષણ માટે નવાઈમાં પડી ગયા. આ ઘટના વડોદરાની કોટંબી સ્ટેડિયમમાં બની હતી, જ્યાં ભારત અને ન્યૂઝીલેન્ડની વન-ડે મેચના આગલા દિવસે
વિરાટને પોતાનો જ બાળપણનો પ્રતિબિંબ જોવા મળ્યો
આ ‘જુનિયર કોહલી’નું નામ છે ગર્વિત ઉત્તમ. ગર્વિત હરિયાણાના પંચકુલા સેક્ટર-11માં પોતાના પરિવાર સાથે રહે છે. ઉંમર માત્ર 8 વર્ષ, પરંતુ તેનો ચહેરો, આંખો, સ્મિત, દાંત અને હાવભાવ એવા છે કે જાણે વિરાટ કોહલીનો બાળપણનો ફોટો જીવંત થઈ ગયો હોય. ફેન્સ સોશિયલ મીડિયા પર ગર્વિતના ફોટા વિરાટના બાળપણના પ્રખ્યાત ફોટાઓ સાથે સરખાવી રહ્યા છે અને તેને ‘મિની કોહલી’ તથા ‘લિટલ ચીકુ’ કહી રહ્યા છે.
કોટંબી સ્ટેડિયમમાં જ્યારે વિરાટ કોહલી આવ્યા ત્યારે ગર્વિતે તેમને જોરથી બૂમ પાડી. આ અવાજ સાંભળીને વિરાટે તેની તરફ નજર કરી, દૂરથી હાય કહ્યું અને થોડા સમય બાદ નજીક આવી ગર્વિતને બેટ પર ઓટોગ્રાફ આપ્યો. આ ક્ષણ ગર્વિત માટે સપના જેવી હતી. ગર્વિતે જણાવ્યું કે તે સમયે રોહિત શર્માએ પણ વિરાટને મજાકમાં કહ્યું હતું, “અરે વહાં દેખ વિરાટ, તેરા ડુપ્લિકેટ બેઠા હૈ,” જે સાંભળીને ગર્વિત ખૂબ ખુશ થયો હતો. સ્ટેડિયમમાં ગર્વિતની મુલાકાત વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ, કે.એલ. રાહુલ અને અર્શદીપ સિંહ સાથે પણ થઈ. અર્શદીપે બાળકો સાથે વીડિયો બનાવ્યો હતો અને મજાકમાં ગર્વિતને ‘સ્માઇલ કેમ નથી?’ એવું કહેતા ત્યાં હાજર સૌ કોઈ હસી પડ્યા હતા.
સુરેન્દર સિંગે શું કહ્યું?
ગર્વિતના પિતા સુરેન્દર સિંગે જણાવ્યું કે તેઓ 4 જાન્યુઆરીએ ચંડીગઢથી હૈદરાબાદ જતા હતા અને ત્યારબાદ 8 જાન્યુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ મેચ માટે વડોદરા આવ્યા હતા. ગર્વિત તે દિવસે વિરાટના નામ અને નંબરવાળી ટી-શર્ટ પહેરીને આવ્યો હતો. પોતાના દીકરાને જોઈને વિરાટ પણ થોડા સમય માટે આશ્ચર્યમાં પડી ગયા હતા અને હસીને કહ્યું હતું, “તુ તો બિલકુલ મેરે જેસા દીખ રહા હૈ, તુ તો મેરી કાર્બન કોપી હૈ.” ગર્વિતને નાની ઉંમરથી જ ક્રિકેટ અને એક્ટિંગનો શોખ છે. તે છેલ્લા ત્રણ વર્ષથી ક્રિકેટ એકેડેમીમાં તાલીમ લઈ રહ્યો છે. પરિવારનું કહેવું છે કે તેમને ક્યારેય કલ્પના પણ નહોતી કે ગર્વિત રાતોરાત આટલો ફેમસ થઈ જશે. આજે ઇન્ટરનેટ પર ‘લિટલ વિરાટ કોહલી’ તરીકે ગર્વિત છવાઈ ગયો છે અને પરિવારને દેશભરમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.




















