અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક 16 વર્ષની સગીરા સાથે ઓનલાઈન ગેમિંગ મારફતે ઓળખાણ બાદ દુષ્કર્મ અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. ફ્રી ફાયર ગેમ રમતા રમતા સગીરાનો પશ્ચિમ બંગાળમાં રહેતા યુવક સાથે સંપર્ક થયો હતો, જે બાદ આ મામલો ગંભીર અપરાધમાં પરિણમ્યો હતો. વેજલપુર વિસ્તારમાં રહેતી સગીરા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. સગીરાએ પોતાના સ્માર્ટફોનમાં ફ્રી ફાયર ગેમ રમતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક પશ્ચિમ બંગાળના આશિક ઉર્ફે અરમાન મહમદ અઝગર સાથે થયો હતો. બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સંપર્ક હતો અને મોબાઈલ નંબરની આપલે બાદ વોટ્સએપ પર પણ નિયમિત વાતચીત થતી હતી.
સગીરાના ઘરે દુષ્કર્મ આચર્યું અને...
22 જાન્યુઆરીના રોજ આરોપી યુવક પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો હતો. તે સમયે સગીરાના ઘરે કોઈ હાજર ન હોવાથી યુવક સગીરાના ઘરે ગયો હતો અને ત્યાં જ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બાદ આરોપી યુવકે સગીરાને ફોસલાવીને અપહરણ કર્યું હતું અને 23 જાન્યુઆરીના રોજ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ લઈ જવા રવાના થયો હતો.
સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી
સગીરાના પરિવારને દીકરી અચાનક ગુમ થતા અપહરણની શંકા જતા તરત જ વેજલપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી યુવક સગીરાને લઈને ટ્રેનમાં પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ કરી ખડગપુર રેલવે સ્ટેશન પર પહોંચતા બંનેને પકડવા માટે ત્યાંની રેલવે પોલીસને માહિતી આપી હતી. ખડગપુર રેલવે પોલીસએ સમયસર કાર્યવાહી કરીને ટ્રેનમાંથી આરોપી યુવકને સગીરા સાથે ઝડપી લીધો હતો. ત્યારબાદ વેજલપુર પોલીસની ટીમ ખડગપુર પહોંચી હતી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી હતી, જ્યારે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી.
ઓનલાઈન ગેમિંગની મિત્રતા મોંઘી પડી!
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપી યુવક પશ્ચિમ બંગાળમાં છૂટક મજૂરીનું કામ કરે છે. હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઓનલાઈન ગેમિંગ અને સોશિયલ મીડિયા મારફતે સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.




















