રાજકોટ શહેરમાં એક ચકચારી ઘટનામાં 35 વર્ષીય મહિલાનો પાણીના ટાંકામાંથી મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકોટની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા ચંદ્રિકાબેન ટપુરીયાનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાઈ ગયો હતો.
પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો
ચંદ્રિકાબેન ટપુરીયાના અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તેમના એક દીકરા અને એક દીકરીએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી છે, જેને લઈ સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 35 વર્ષની ઉમરે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવતાં લોકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.
પોલીસે તપાસ હાથ ધરી
મહિલાનો મૃતદેહ પાણીના ટાંકામાંથી મળતા આ મામલો આત્મહત્યા છે કે પછી કોઈએ હત્યા કરી છે, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ઘટનાની જાણ મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આત્મહત્યા કે હત્યાની તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સાચી હકીકત સામે આવશે.




















