Home Gujarat Surat Yoga Guru Pradip Fake Currency Case China Cannection

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો? : સુરત નકલી નોટ કૌભાંડ કેસમાં મોટો વળાંક

યોગ ગુરુ પ્રદીપ ક્યાંથી નકલી નોટ છાપતાં શીખ્યો?
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2026, 03:09 PM IST

સુરતના કામરેજમાં યોગાશ્રમની આડમાં નકલી ચલણી નોટો છાપવાના રેકેટમાં ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. મુખ્ય આરોપી પ્રદીપ ગુરુજી અને તેના સાથીદારોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ આખું કૌભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત હતું અને તેની કડીઓ છેક ચીન (China) સુધી જોડાયેલી છે.

ચીન જઈને લીધી હતી નોટો છાપવાની ટ્રેનિંગ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, પ્રદીપ ગુરુજી અને તેનો સાથીદાર મુકેશ હુમ્મર ગત જાન્યુઆરીમાં ચીનના ગ્વાંગઝૂ અને કિંગડાઉ શહેરની મુલાકાતે ગયા હતા. ત્યાં એક સ્થાનિક એજન્ટની મદદથી તેઓએ કરન્સી સિક્યોરિટી પેપરની ક્વોલીટી ચેક કરી હતી. નવાઈની વાત એ છે કે, તેઓએ ચીનમાં જ ટ્રાયલ તરીકે નકલી નોટો પ્રિન્ટ કરી હતી. જ્યારે તેમને ખાતરી થઈ કે આ કાગળ પર છાપેલી નોટ અસલી જેવી જ લાગે છે, ત્યારે તેઓએ સુરતમાં મોટા પાયે આ નેટવર્ક શરૂ કરવાનું નક્કી કર્યું હતું.

સ્ટેશનરીની આડમાં મંગાવાયું 'સિક્યોરિટી પેપર'

આરોપીઓએ કસ્ટમ વિભાગની નજરમાંથી બચવા માટે ચીનથી કરન્સી પેપર મંગાવવા માટે અનોખી તરકીબ અપનાવી હતી. તેઓએ સ્ટેશનરીના સામાનની આડમાં ખાસ પ્રકારના પેપર બોક્સ મંગાવ્યા હતા. એક અંદાજ મુજબ, એક પેપર બોક્સની કિંમત દોઢ લાખ રૂપિયા હતી અને અત્યાર સુધીમાં આવા ત્રણ કન્સાઈનમેન્ટ સુરત આવી ચૂક્યા છે. આ કાગળ પર પ્રિન્ટ થયેલી નોટો સામાન્ય માણસ માટે ઓળખવી અત્યંત મુશ્કેલ છે.

15 લાખની નકલી નોટો બજારમાં વહેતી કરી હોવાની આશંકા

પોલીસ તપાસમાં એવો પણ ફાળકો પડ્યો છે કે, પોતાની સિસ્ટમ કેટલી સચોટ છે તે ચકાસવા માટે આરોપીઓએ અંદાજે 15 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં અલગ-અલગ માધ્યમોથી ફરતી કરી દીધી હતી. અત્યારે ક્રાઈમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ આ તપાસમાં જોડાઈ છે, કારણ કે આ મામલો દેશની આર્થિક સુરક્ષા સાથે જોડાયેલો છે.

આગામી સમયમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ આશ્રમ અને આરોપીઓના નિવાસસ્થાને વધુ સર્ચ ઓપરેશન હાથ ધરશે. આ કૌભાંડમાં હજુ પણ કેટલાક મોટા માથાઓ અને અન્ય રાજ્યોના એજન્ટોના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now