કચ્છ: ગુજરાતમાં ગૌમાતાને 'રાજ્ય માતા'નો દરજ્જો આપવા માટે કચ્છના સાધુ-સંતો, મહંતો, સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા સરકારને અવારનવાર રજૂઆતો કરવામાં આવી રહી છે. આ મામલે હવે આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ કચ્છના કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, અને તે માટે કલેક્ટર પાસે પરવાનગી પણ માંગવામાં આવી છે.
અગાઉ અપાયું હતું આવેદનપત્ર
આ અંગે વધુ માહિતી આપતા કચ્છના સંત દેવનાથબાપુએ જણાવ્યું કે, તા.૧૫/૦૭/૨૦૨૫ ના રોજ કચ્છના સાધુ-સંતો અને જીવદયા પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં ગૌમાતાને 'રાજ્ય માતા'નો દરજ્જો આપવાની માગણી કરવામાં આવી હતી અને સરકારને નિર્ણય લેવા માટે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, લગભગ ૨૫ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નથી.
ગંભીર ચિંતન બાદ લેવાયો નિર્ણય
દેવનાથબાપુએ વધુમાં જણાવ્યું કે, સરકારના આ વલણથી કચ્છના તમામ સંપ્રદાયના સંતો, ગૌપાલકો, ગૌપ્રેમીઓ, ગૌરક્ષકો અને સનાતન ધર્મના શ્રેષ્ઠીઓ દ્વારા ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. અનેક ચર્ચાઓ અને વિચાર-વિમર્શ બાદ સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો સરકાર તાત્કાલિક કોઈ સકારાત્મક પગલાં નહીં ભરે તો તા.૨૫/૦૮/૨૦૨૫ થી કચ્છના સાધુ-સંતો અને જીવદયા પ્રેમીઓ કલેક્ટર કચેરી સામે આમરણ ઉપવાસ પર બેસશે.
આ માટે કલેક્ટરને તા.૨૫/૦૮/૨૦૨૫ ના રોજ આમરણ ઉપવાસની મંજૂરી આપવા માટે વિનંતી કરવામાં આવી છે. આ આંદોલન ગૌમાતાના સન્માન અને સુરક્ષા માટે છે અને જ્યાં સુધી આ માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.