હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ શરૂ કરી છે. નવસારી, સુરત અને ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.
નવસારી અને સુરતમાં વરસાદી માહોલ
નવસારી જિલ્લાના તમામ 6 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેરમાં રામનગર, સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, ડેપો સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.
બીજી તરફ, સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે યેલો એલર્ટ જારી કર્યું છે. શહેરના સિટી લાઈટ, અઠવા ગેટ, પીપલોદ, રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ઊભા પાકને પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ડાંગ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લાના મુખ્ય મથક આહવા, વઘઈ, સુબીર અને પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
કીમ નદી બે કાંઠે થતા અનેક ગામો સંપર્કવિહોણા
વરસાદની ગંભીર અસર કીમ નદી પર જોવા મળી છે. નદી બે કાંઠે વહેવા લાગતા માંગરોળના વેલાછા-સેઠી ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા માંગરોળના વેલાછાથી માંડવી તાલુકાના ગામોને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે. વર્ષોથી આ બ્રિજની ઊંચાઈ વધારવા કે હાઈ-લેવલ બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તેનો કોઈ નિરાકરણ આવ્યું નથી.
પરિણામે, હાલ આ લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓ, ખેડૂતો, રાહદારીઓ અને નોકરિયાત વર્ગને લાંબો ફેરાવો ફરીને જવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિ સ્થાનિકો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે.