કોંગ્રેસ દ્વારા મારું ઘર- મારું સ્વાભિમાન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અમદાવાદના સાબરમતી અને સરખેજ ખાતે ગરીબો અને વંચિતોના હક અધિકારની લડત આપવાની વાત સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગેરકાયદે દબાણમાં દૂર કરાયેલા પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી અને તેમની વ્યથા અને આપવીતી સાંભળીને ન્યાય અપાવવા ખાત્રી આપી હતી
''સરકારની ગરીબ વિરોધી નીતિઓ...''
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ''અન્યાયકારી ભાજપ સરકારની બુલડોઝર નિતિથી પીડિત પરિવાર સાથે સંવાદ કરી તેમની વેદના જાણી, ભાજપ સરકારની ગરીબ વિરોધી નીતિઓ તથા વિકાસના નામે બેઘર કરાયેલા લોકો માટે કોંગ્રેસ મજબૂતાઇથી અવાજ ઉઠાવશે અને સમગ્ર ગુજરાતમાં ભાજપની અન્યાયી નીતિથી બેઘર બનેલા પરિવારો માટે "મારું ઘર- મારું સ્વાભિમાન" આંદોલનનો સંકલ્પ લઈએ છીએ. જે પ્રમાણે આઝાદીના લડવૈયાઓએ દમનકારી અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડી હતી એ જ પ્રમાણે હવે આ સરમુખત્યારશાહી શાસન સામે એક નવી આઝાદીની લડાઈ લડવાનો સમય આવી ગયો છે''.
''મારું ઘર- મારું સ્વાભિમાન આંદોલન''
પ્રદેશ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ઉપરોક્ત "મારું ઘર મારું અભિમાન" આંદોલન કાર્યક્રમમાં અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપનેતા નિરવ બક્ષી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ અને પીડિત પરિવારો જોડાયા હતા.