Podar International School controversy: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદ વડોદરાની નામાકિંત સ્કૂલમાં ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીએ ચપ્પુ બતાવી ક્લાસમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો. આજવા રોડ પર આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી. જે હિંસક ભયની ઘટનાએ અમદાવાદ બાદ વડોદરા શહેરને ચોંકાવી દીધું છે.
ધો.7ના વિદ્યાર્થીએ ચપ્પુ બતાવી ક્લાસમાં ફેલાવ્યો ભયનો માહોલ
લંચના સમય દરમિયાન બેન્ચ પર બેસીને જમવાના મુદ્દે બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી. જે બાદ માહોલ ઉગ્ર બન્યું અને ગુસ્સે ભરાયેલા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના મોઢા પર નખ મારી હુમલો કર્યો અને ત્યારબાદ પોતાની પાસે રહેલો ચપ્પુ હાથમાં લઈને હિંસક બાબલનો માહોલ ઉભો કર્યો હતો. જેના પગલે સમગ્ર સ્કૂલમાં ફફડાટનો માહોલ ઉભો થયો હતો.
શાળામાં અફરાતફરી મચી
સમગ્ર ઘટાનાને પગલે શાળામાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. સમય સૂચકતા અને સાવચેતી ન રખાઈ હોત તો અમદાવાદની શાળા જેવી ગંભીર ઘટના સર્જાઈ શકે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું છે.
શાળાઓમાં શિસ્ત અને સુરક્ષાના નિયમોમાં કડકાઈ જરૂરી
શાળામાં વધતી ગેરકાયદે પ્રવૃત્તિને લઈ શાળાઓને વિદ્યાર્થીઓની બેગ ચેકિંગ, મોનિટરિંગ સિસ્ટમ અને કાઉન્સેલિંગ પર વધુ ભાર મૂકવો જોઈએ. સાથે સાથે વાલીઓએ પણ પોતાના બાળકોની માનસિક સ્થિતિ, ક્રોધ નિયંત્રણ અને ડિજિટલ પ્રભાવ પર નજર ચોક્કસથી નજર રાખવી જરૂરી બની ગઈ છે. આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું છે કે શાળાઓમાં શિસ્ત અને સુરક્ષા માટે તાત્કાલિક કડક નિયમો જરૂરી છે.
સળગતા સવાલ
શાળાની અંદર વિદ્યાર્થી ચપ્પુ લઈને કેવી રીતે પ્રવેશ્યો?
શાળા સંચાલન તરફથી સુરક્ષા વ્યવસ્થામાં મોટી બેદરકારી?
શાળા સંચાલનની બેદરકારી બદલે પગલા લેવાશે?
વિદ્યાર્થી શાળામાં કેવી રીતે લાવે છે ચપ્પું?
આ વિદ્યાર્થીને ચપ્પુ લઈને આવવાની કોણે પરવાનગી આપી?
શાળામાં સંસ્કારના બદલે ક્રાઈમના પાઠ કોણ શીખવે છે?