વિદેશી કપાસની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયને રદ કરવા કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી પત્ર લખ્યો છે. જેમાં તેમણે સરકાર પર કટાક્ષ સાથે પ્રહારો કર્યા છે. તેમણે લખ્યું કે, ''ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય હોય, અને ખેડૂતો તેમજ સમગ્ર લોકો ખેતીપર નિર્વાહ ચલાવી રહેલ છે. આપના દ્વારા ખેડૂતો ને બમણી આવક નો વાયદો પણ આપવવામાં આવેલ હતો.ત્યારે “મોસાળે માં પીરસનાર” હોય તેમ છતાં ગુજરાત નો ખેડૂત પાયમાલ બની રહ્યો છે.''
''આ નિર્ણય ખેતીને નુકસાનકારક છે''
પ્રતાપ દુધાતે લખ્યું કે,''ગુજરાતમાં લાખો હેક્ટરમાં કપાસ નું વાવેતર થયેલ છે. ત્યારે ભારત સરકારે જે વિદેશી કપાસની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય લીધો છે, તે ખેડૂત વર્ગના હિતને અનુકૂળ નથી અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પાડે છે. દેશની રીડ સમાન ખેડૂત સમાજ આજે અનેક સમસ્યાઓથી ઘેરાયો છે – મોંઘા ખાતર-બીજ-દવા, સિંચાઈની તંગી, પાકને યોગ્ય ભાવ ન મળવો, તથા કુદરતી આફતો.એવા સમયે ખેડૂતોના હિતોને સુરક્ષિત કરવા બદલે સરકારના આ પ્રકારના નિર્ણયથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાની આવશે. આ નિર્ણય ખેતીને નુકસાનકારક છે અને સીધી અસર ખેડૂતોના જીવન પર થાય છે.
''ખેડૂત હિતમાં નિર્ણય લેવો એ સરકારની પ્રથમ ફરજ છે''
તેમણે લખ્યું કે, ''સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની અને ખેડૂતોના હિતમાં નવા પગલાં ભરવાની માંગણી કરીએ છીએ. ખેડૂતોને ન્યૂનતમ આધાર ભાવ કાયદેસર ગેરંટી સાથે મળે, ખેતી ખર્ચમાં રાહત મળે, તેમજ વીમા–લોન-સિંચાઈ માટે ખાસ સહાયતા મળે તે પણ જરૂરી છે અને ખેડૂત હિતમાં નિર્ણય લેવો એ સરકારની પ્રથમ ફરજ છે. ત્યારે અમારી લાગણી સહ માંગણી છે કે ભારત સરકાર દ્વારા વિદેશી કપાસ ની આયાત ડ્યુટીમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય રદ કરવામાં આવે''.