Seventh Day School: અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલ પાસે થયેલી સગીરની હત્યાને લઈને વેપારીઓ અને સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં અને મૃતક સગીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોએ નારાબાજી કરી રોષ ઠાલવ્યો હતો.
કડક કાર્યવાહીની માગ કરી
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નયનના પરિવારજનો, મહામંડલેશ્વર ઈશ્વરી નંદ ગિરિ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેન્દ્ર ભાવનાણી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી સહિતના રાજકીય અગ્રણીઓ જોડાયા હતા. મૃતકને ન્યાય મળે અને સગીર આરોપી અને સંડાવણીખોર સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરાઈ છે
સ્વયંભૂ બંધમાં મિશ્ર પ્રતિસાદ
આ ઘટનાના વિરોધમાં આજે અમદાવાદના મુખ્ય બજારો બંધનું એલાન છે. કાલુપુર અને રાયપુર ખાતે આવેલા કાપડ માર્કેટ સફલ 1, 2, 3 સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરદાર નગર વેપારી એસોસિએશન અને મસ્કતી માર્કેટ મહાજન મંડળ પણ બંધના એલાનમાં જોડાયા છે. આ તમામ વેપારીઓને સ્વયંભૂ બંધમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે. રિલીફ રોડ, કાલુપુર, રાયપુર ન્યૂ ક્લોથ માર્કેટ, અને કાપડ બજાર સહિતના વિસ્તારોમાં પણ મોટાભાગના વેપારીઓ બંધ પાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
આજે માર્કેટ બંધનું એલાન
કાલુપુર ટંકશાળ માર્કેટ
ગાંધીરોડ માર્કેટ
રિલીફ રોડ મોબાઈલ માર્કેટ
ઇલેક્ટ્રોનિક માર્કેટ
રમકડા બજાર
કાપડ માર્કેટ
સુમેલ 1 અને સુમેલ 3 માર્કેટ
કાલુપુર અને રીલિફ રોડ માર્કેટ
રેવડી બજાર માર્કેટ
માધુપુરા વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ અનાજ બજાર
ચોખા બજાર સહિતની તમામ માર્કેટો
સફલ 1-2 કોમ્પ્લેક્સ સહિત તમામ કાપડ માર્કેટ
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને પોલીસનો બંદોબસ્ત
આ ઘટનાને ધ્યાનમાં રાખીને, જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સેવન્થ ડે સ્કૂલ સામે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે અને ન્યાયની માંગ કરવામાં આવી છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે, સ્કૂલની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ હત્યાકાંડ માત્ર એક ગુનાહિત કૃત્ય નથી, પરંતુ શિક્ષણ જગત અને સમાજ માટે એક ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં ભરવાની જરૂરિયાત આ ઘટનાએ સ્પષ્ટ કરી છે. સમગ્ર શહેરમાં ફેલાયેલો આ જનઆક્રોશ દર્શાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે અને લોકો આ મામલે સત્વરે ન્યાય ઈચ્છી રહ્યા છે.