સુરતમાં ચાતુર્માસ પૂર્ણ થતાં જ ફરી એકવાર ત્યાગ અને વૈરાગ્યનો માહોલ સર્જાયો છે. શહેરમાં 13 સંયમવીર આત્મજ્ઞાનના માર્ગે પ્રયાણ કરશે. આ 13 માંથી એક જ પરિવારના ત્રણ સભ્ય પણ એકસાથે દીક્ષા લેવાના હોવાથી આ દીક્ષા મહોત્સવ વિશેષ બની રહ્યો છે.
5 થી 7 નવેમ્બર દરમિયાન દીક્ષા મહોત્સવ
આ સામૂહિક દીક્ષા મહોત્સવ 5 થી 7 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય ભવ્ય આયોજન રૂપે યોજાશે. પરમ-જિન-ભદ્ર-શાંતિ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ તથા આચાર્ય ૐકારસૂરી આરાધના ભવનના ઉપક્રમે આ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે.
500થી વધુ જૈન સંતો ઉપસ્થિત રહેશે
દીક્ષા મહોત્સવની પાવન નિશ્રા માટે ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરી મહારાજા, શાસ્ત્રસંશોધક આચાર્ય ભગવંત મુનિચંદ્રસૂરી મહારાજા અને વૈરાગ્યવારિધિ આચાર્ય ભગવંત કુલચંદ્રસૂરી મહારાજા સહિત 500થી વધુ જૈન સંતો ઉપસ્થિત રહેશે.
આધ્યાત્મિક પ્રસંગ
આ ત્રિદિવસીય મહોત્સવમાં આત્મસંયમ, ત્યાગ અને આધ્યાત્મિક આનંદનો અનોખો સંગમ જોવા મળશે, જે સુરતવાસીઓ માટે એક અનન્ય આધ્યાત્મિક પ્રસંગ બની રહેશે.





















