કચ્છના માંડવી તાલુકામાં એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોટા લાયજા ગામમાં એક મહિલા વિચિત્ર અકસ્માતનો શિકાર બની. આ મહિલા અચાનક પડી જતાં એક મોટો લોખંડનો ખીલો તેના હાથમાં ઊંડો ઘૂસી ગયો.
ઘટનાની ગંભીરતા જોતાં તાત્કાલિક ધોરણે તબીબી મદદની જરૂર પડી હતી. મહિલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને હોસ્પિટલ લઈ જવાને બદલે, સ્થળ પર જ ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા. ડોક્ટરે ઘટનાસ્થળે જ એક નાનું ઓપરેશન કરીને ખીલો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન દરમિયાનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાએ લોકોમાં કુતૂહલ અને ચર્ચા જગાવી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે બહુમાળી ભવન ધરાવતા સંકુલમાં પ્રથમ માળે ગેલરીમાં કપડાં સૂકવતી વખતે કાશ્મીરાબેન નામની મહિલા અચાનક નીચે પડી ગયાં હતાં. સંકુલની કમ્પાઉન્ડ વોલ પર લાગેલી લોખંડની રેલિંગ પર પટકાતાં રેલિંગ હાથની આરપાર ઘૂસી ગઈ હતી. તબીબે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી રેલિંગમાંથી હાથને બહાર કાઢ્યો હતો. લોહીલુહાણ થઈ ગયેલાં મહિલાને હાથમાં 20 ટાંકા લેવા પડ્યા હતા. કાશ્મીરાબહેને બૂમાબૂમ કરતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા.
પરિવારજનો અને પાડોશીઓએ મહિલાને મુક્ત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એક કલાક સુધી મહિલા પીડાથી કણસતા રહી હતી. ગામનાં ડૉ. એનબી લહેરુને જાણ કરાયા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોતાની ઓપીડીની કામગીરી પતાવી બનાવ સ્થળે જઈ મહિલાના હાથને કુશળતાપૂર્વક ગ્રિલમાંથી બહાર કાઢ્યો હતો. આ અકસ્માતની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.