સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી અને માદક દ્રવ્યો અધિનિયમ (NDPS Act) હેઠળ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર કરવામાં આવેલા દરોડા દરમિયાન SMCની ટીમે 239.940 ગ્રામ હેરોઈન જપ્ત કરી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂપિયા 47,98,800 થાય છે. આ ઉપરાંત એક મોબાઈલ ફોન તેમજ રૂપિયા 3,290 રોકડ રકમ પણ કબજે લેવામાં આવ્યા છે.
વડોદરા રેલવે સ્ટેશન પર SMCનો દરોડો
પ્રાપ્ત માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે એક શખ્સ મોટી માત્રામાં હેરોઈન લઈને વડોદરા રેલવે સ્ટેશન પર આવનાર છે. બાતમીના આધારે SMCની ટીમે સ્ટેશન પર ચુસ્ત વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ હિલચાલના આધારે ટીમે આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોતાને પકડાઈ જતા જોઈ આરોપી અમરીકસિંહ ઉર્ફે સોનુ માલ્હી ભાગવાનો પ્રયાસ કરતા કરવા લાગ્યો હતો. ભાગતી વખતે તેના પગમાં પથ્થર વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
રૂ. 47.98 લાખની હેરોઈન સાથે મુખ્ય આરોપી ઝડપાયો
ઇજાગ્રસ્ત હાલતમાં આરોપીને તાત્કાલિક સારવાર માટે વડોદરા ની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તે હાલ ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર હેઠળ છે. આરોપી પાસેથી મળેલા હેરોઈનના જથ્થાને જોતા આ એક મોટી ડ્રગ્સ સપ્લાયનો ભાગ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા NDPS અધિનિયમની કલમ 8(C), 22(B) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન આ ડ્રગ્સ રેકેટને આંતરરાજ્ય તસ્કરીના નેટવર્ક સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. પોલીસનું માનવું છે કે આ હેરોઈન અન્ય રાજ્યમાંથી વડોદરા લાવવામાં આવ્યું હતું અને આગળ સપ્લાય કરવાની યોજના હતી.
વોન્ટેડ આરોપીની શોધખોળ હાથધરાઈ
મુખ્ય આરોપી શહેરના છાણી જકાત નાકા પાસે આવેલ ગુરુનાનક નગરમાં રહેતો અમરીકસિંહ ઉર્ફે સોનુ સર્વણસિંહ માલ્હી હોવાની ઓળખ કરવામાં આવી છે. આ કેસમાં એક અન્ય વોન્ટેડ આરોપી નિશાનસિંગ, રહેવાસી ભટીંડા (પંજાબ), જે મુખ્ય ડ્રગ સપ્લાયર હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા વોન્ટેડ આરોપીની શોધખોળ સાથે સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




















