Seventh Day School: અમદાવાદના ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. સેવેન્થ ડે સ્કૂલ સામે નિષ્કાળજી અને બેદરકારી ની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર કેસ મામલે તપાસ તેજ કરી છે. 15 લોકોનાં નિવેદન નોંધ્યા છે. તેમજ સ્કૂલના CCTV ફૂટેજ તપાસમાં મોટો ખુલાસો થયો છે કે, વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં બહારથી ચાલીને સ્કૂલમાં આવી પગથિયાં પર બેસી ગયો હતો. જો કે, મામલે FSLની ટીમ ઘટનાસ્થળેથી પહોંચી પુરાવા એકઠા કરવાની કામગીરી હાથ ધરી છે.
''પ્રિન્સિપાલ સામે ગુનો નોંધાયો છે''
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, ''19 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. જેની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે. સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ દ્વારા કોઇપણ સરકારી તંત્ર અને પોલીસને જાણ કરવામાં આવી નથી. મૃતકના પિતા દ્વારા પોલીસને આ બાબતની અરજી કરી હતી. જેના આધારે પોલીસે સ્કૂલના પ્રિન્સિપાલ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જાણ કરવામાં ન આવતાં તેમની વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે''
''સ્કૂલ સામે મેલડી માતાજીના મંદિર પાસે ઝઘડો થયો હતો''
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ''મૃતક વિદ્યાર્થી સાથે ભણતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ સ્કૂલના સ્ટાફની પૂછપરછ કરવામાં આવી છે. સ્કૂલના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. સ્કૂલ છૂટ્યા બાદ આ બનાવ બન્યો હતો. મૃતક અને આરોપી બંને સગીર સ્કૂલની સામે આવેલા મેલડી માતાના મંદિર પાસે ઝઘડો થયો હતો અને ત્યાં તેને બોક્સ કટર મારવામાં આવ્યું હતું. ઘટના બન્યા બાદ મૃતક વિદ્યાર્થી સ્કૂલમાં ગયો હતો. સ્કૂલમાં ત્રણ દરવાજા છે. જેમાં ત્રીજા દરવાજાથી વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થી આવીને સ્કૂલની પાળી પર બેઠો હતો. સિક્યુરિટી ગાર્ડે જોયું અને તેને પૂછ્યું હતું શું થયું હતું. જેથી વિદ્યાર્થીએ કહ્યું હતું કે મને વાગ્યું છે. બાદમાં તેણે સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી હતી. જેથી તેને એલજી હોસ્પિટલમાં અને બાદમાં સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો''.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકવનારો ખુલાસો થયો?
સરદાર પટેલ હોસ્પિટલના 4 સર્જન સહિત 8 ડોક્ટરની ટીમ દ્વારા નયનના મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં અવાયું હતું. પેનલ PMના રીપોર્ટ મુજબ રિપોર્ટ મુજબ શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ બે નળી કપાઈ ગઈ હતી, જેના કારણે આંત:સ્ત્રાવ થતાં પેટમાં જ 2.5 લિટર લોહી જમા થઈ ગયું હતું. જો કે, બહારથી ફક્ત 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો. ઉલ્લેખનીય છે કે, આંતરડામાં ચાર કાણાં પડી ગયાં હતાં અને એક જગ્યાએથી આંતરડું ફાટી પણ ગયું હતું.
15 લોકોનાં નિવેદન નોંધ્યા
વિધાર્થીની હત્યા મામલે તો આરોપી સગીર વિધાર્થી સહીત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ..મામલો વધુ ગંભીર થતા આ કેસ ની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે ..ક્રાઈમ બ્રાંચ વિધાર્થીની હત્યાના કેસની તપાસ તો કરીજ રહી છે પરંતુ હવે વધુ એક FIR દાખલ કરી છે. ઈજાગ્રસ્ત વિધાર્થીને લોહી લુહાણ હાલતમાં તરફડવા દીધો હતો તાત્કાલિક સારવાર અપાવવાની કોઈજ વ્યવસ્થા કરી નહોતી જેને ક્રાઈમ બ્રાંચ દ્વારા સ્કુલ મેનેજમેન્ટની બેદરકારી અને નિષ્કાળજી ગણવામાં અવી છે. અને આ બેદરકારી અને નિષ્કાળજી બદલ સેવન્થ ડે સ્કુલ ના મેનજમેન્ટ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 15 લોકોનાં નિવેદન નોંધ્યા છે, જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, સિક્યોરિટી ગાર્ડ અને મૃતકનાં પરિવારજનોનો સમાવેશ થાય છે.
લોકોમાં રોષ
સેવન્થ ડે સ્કૂલના મૃતક વિધાર્થીનું શુક્રવારે કાંકરિયાના બળવંતરાય હોલ ખાતે શોકસભા અને બેસણું રાખવામાં આવ્યું હતું. જેમા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ પણ મૃતકના બેસણામાં પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ we want justice for nayanના બેનરો સાથે નારા લગાવ્યા હતા.
શું હતી ઘટના?
અત્રે જણાવીએ કે, 19 ઓગસ્ટને મંગળવારના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબત બની હતી. જે મામલે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને ધોરણ 9ના ભણતા વિદ્યાર્થીએ તિક્ષ્ણ
વસ્તુના ઘા ઝીંકી દીધા હતા . તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 20 ઓગસ્ટે સારવાર દરમિયાન હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થયું.