એશિયા કપ 2025 ના ચોથા મુકાબલામાં પાકિસ્તાને ઓમાનને 93 રનથી હરાવીને એકતરફી જીત મેળવી છે. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 160 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન તરફથી મોહમ્મદ હારિસે શાનદાર પ્રદર્શન કરતા સર્વાધિક 67 રન બનાવ્યા હતા. જોકે, પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી.
પાકિસ્તાને ઓમાનને 93 રનથી હરાવ્યું
પાકિસ્તાનના ઓપનર સઈમ અયુબ ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયા, જ્યારે ફરહાન 28 રન બનાવીને આઉટ થયા હતા. આ ઉપરાંત ફખર જમાને પણ 16 બોલમાં 23 રન બનાવીને ટીમના સ્કોરમાં મહત્વનો ફાળો આપ્યો હતો. પાકિસ્તાનના અન્ય બેટ્સમેનો જેમ કે મોહમ્મદ નવાઝ અને ફહીમ અશરફે પણ અંતમાં ઝડપી રન બનાવીને ટીમને 160 ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
ઓમાનની આખી ટીમ માત્ર 67 રનમાં ઓલઆઉટ
161 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓમાનની ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ટીમે બીજા જ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓમાનની કોઈ પણ બેટ્સમેન પાકિસ્તાનની બોલિંગ સામે ટકી શક્યો નહોતો. આમીલ કલીમે 13 રન, નદીમે ત્રણ અને સુફિયાન એક રન બનાવીને આઉટ થયા હતા. હમાદ મિર્ઝાએ 23 બોલમાં 27 રન બનાવીને ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઓમાનની આખી ટીમ માત્ર 67 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.