એશિયા કપમાં 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. તે પહેલાં જ ફરી એકવાર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ ભારતના પૂર્વ ખેલાડીઓ સામે ઝેર ઓક્યું છે. એવું લાગે છે કે આફ્રિદી હજુ પણ ગુસ્સે છે અને WCL માં પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથે ઇન્ડિયન ચેમ્પિયન્સના ખેલાડીઓ દ્વારા મેચનો બહિષ્કાર કરવાને કારણે પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યો છે. તેણે શિખર ધવન, ઇરફાન પઠાણ જેવા ભારતીય સ્ટાર્સનું નામ લીધા વિના મૌખિક હુમલો કર્યો છે.
શું કહ્યું આફ્રિદીએ?
શાહીદ આફ્રિદીએ ઝેર ઓકતાં કહ્યું કે "મેં હંમેશા કહ્યું છે કે ક્રિકેટ રમાતી રહેવી જોઇએ; તે હંમેશા બે દેશો વચ્ચેના સંબંધોને સુધારવામાં મદદ કરે છે. ઈંગ્લેન્ડમાં, લોકોએ WCL મેચ જોવા માટે ટિકિટ ખરીદી હતી અને ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ કરી હતી. તે પછી તમે રમ્યા નહીં. શું વિચારતા હતા? હું સમજી શકતો નથી".
પહલગામ આતંકવાદી હુમલા પછી તણાવ ચરમસીમાએ
પહલગામ આતંકવાદી હુમલા અને ભારતના ઓપરેશન સિંદૂર પછી, બંને પડોશી દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પ્રવાસીઓને મારવાના નાપાક કૃત્યથી ભારતીયો હજુ પણ ગુસ્સે છે. આ જ ગુસ્સાને કારણે યુવરાજ સિંહની આગેવાની હેઠળની ઇન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીગમાં પાકિસ્તાન ચેમ્પિયન્સ સાથેની મેચનો બહિષ્કાર કર્યો હતો.
બેફામ બોલતા આફ્રિદીએ શિખર ધવન સામે 'ખરાબ ઈંડા' વાળ તેના નિવેદનનું પણ પુનરાવર્તન કર્યું. પૂર્વ ક્રિકેટરે કહ્યું, 'જો હું આ સમયે નામ લઈશ, તો તે બિચારો ફસાઈ જશે. જે ખેલાડીને મેં ખરાબ ઈંડા કહ્યું હતું, તેના કેપ્ટને પણ તેને આ કહ્યું છે. જો તમે રમવા માંગતા નથી, તો રમશો નહીં. પરંતુ સોશિયલ મીડિયા પર આ ટ્વિટ કરશો નહીં... એટલા માટે તે ખરાબ ઈંડા સમાન છે.'