Home Sports India Pakistan Petition In Supreme Court To Cancel Match

ભારત-પાક. મેચ રદ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી : "મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે"

ભારત-પાક. મેચ રદ કરાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી
Published by: OBS Bureau
Last Updated: Sep 11, 2025, 06:14 AM IST

એશિયા કપ 2025 અંતર્ગત 14મી સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. ઉર્વશી જૈનના નેતૃત્વમાં કાયદાના ચાર વિદ્યાર્થીઓ દ્વારા આ અરજી દાખલ કરાઈ છે. અરજદારોનું કહેવું છે કે પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચનું આયોજન રાષ્ટ્રીય ગૌરવ અને જાહેર લાગણીઓની વિરુદ્ધ મેસેજ આપશે.

અરજીમાં શું માગ કરાઈ?

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિતો, નાગરિકોના જીવન કે સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. આ મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 તાત્કાલિક લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

કોણે કરી અરજી?

ભારત અને પાકિસ્તાન 14મી સપ્ટેમ્બરે 2025ના એશિયા કપ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે. આ અરજી એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'દેશો વચ્ચે ક્રિકેટનો હેતુ સંવાદિતા અને મિત્રતા દર્શાવવાનો છે. પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, જ્યારે આપણા લોકો માર્યા ગયા અને આપણા સૈનિકોએ બધું દાવ પર લગાવી દીધું, ત્યારે પાકિસ્તાન સાથે રમવાથી વિપરીત સંદેશ જશે કે જ્યારે આપણા સૈનિકો પોતાના જીવનું બલિદાન આપી રહ્યાં છે, ત્યારે આપણે તે જ દેશ સાથે રમતની ઉજવણી કરી રહ્યા છીએ જે આતંકીઓને આશ્રય આપી રહ્યો છે.'

22 એપ્રિલે પહેલગામમાં થયો હતો હુમલો

22મી એપ્રિલે પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ ભારતે પાકિસ્તાન સ્થિત આતંકી સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ સામે ભારતની કાર્યવાહીનો એક ભાગ હતો, જેમાં ભારતીય સૈનિકોએ બહાદુરીથી ભાગ લીધો હતો. અરજદારોનું માનવું છે કે આ મેચ રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના ગૌરવને અસર કરશે, અને મનોરંજનને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now