હોકી એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ સાઉથ કોરિયાને કારમી હાર આપીને ચેમ્પિયન બની ગઇ છે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ભારતીય હોકી ટીમે સાઉથ કોરિયાને 4-1ના મોટા અંતરથી મ્હાત આપી. આ જીત સાથે જ ભારતીય ટીમે આગામી વર્ષે એટલે કે 2026માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત યજમાનીમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે.
ભારતની શાનદાર રમત
ભારતે ચોથી વખત હોકી એશિયા કપના ટાઇટલ પર કબજો કર્યો છે. આ જીત એટલા માટે પણ ખાસ છે કે ભારતે 5 વખતના ચેમ્પિયન સાઉથ કોરિયાને હાર આપીને આ ટાઇટલ હાંસલ કર્યું છે. અગાઉ 2017માં મલેશિયાને હરાવીને ભારતે હોકી એશિયા કપ જીત્યો હતો.
ભારતીય ટીમ સાઉથ કોરિયાને 4-1થી હરાવ્યું
આ ફાઇનલ મેચના પહેલા ક્વોર્ટરની પહેલી જ મિનિટમાં ભારતના સુખજીત સિંહે ગોલ ફટકાર્યો હતો. પહેલો ક્વોર્ટર ખતમ થયા બાદ ભારત 1-0થી આગળ હતું. ત્યાર બાદ બીજા ક્વોર્ટરમાં પણ ભારતે 1 ગોલ ફટકારી 2-0થી લીડ મેળવી હતી. આ દરમિયાન સાઉથ કોરિયાએ અટેકિંગ વ્યૂહનીતિ મુજબ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ગોલ મારી શક્યા નહોતા.
કુલ ચાર વખત એશિયા કપ જીત્યું
ભારતે અત્યાર સુધીમાં 2003, 2007, 2017 અને હવે 2025 એમ કુલ ચાર વખત એશિયા કપનું ટાઇટલ પોતાના નામ કર્યું છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા 1982, 1985, 1989, 1994 અને 2013 એમ કુલ 5 વખત રનર-અપ પણ રહી ચૂકી છે.