ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવનને આજે (ગુરુવારે) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ કેસ એક ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે સંબંધિત છે. ધવન સવારે 11 વાગ્યે ED ઓફિસ પહોંચ્યો હતો. ધવન 1X app પ્રમોટ કરી રહ્યો હતો.
આ કેસમાં અગાઉ ક્રિકેટર સુરેશ રૈનાની પણ પૂછપરછ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એજન્સી ઓનલાઈન સટ્ટાબાજી એપ સાથે સંબંધિત નાણાકીય લેવડ-દેવડ અને સંભવિત રોકાણોની તપાસ કરી રહી છે. ધવનની પૂછપરછ આ સિલસીલનો એક ભાગ છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન પણ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના રડાર પર છે. શિખર ધવનને ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપરછ માટે ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. એક સમાચાર એજન્સી ગુરુવારે અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી હતી, EDએ અગાઉ આ કેસમાં અમુક ક્રિકેટરોની પૂછપરછ કરી છે, જેમાં પૂર્વ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાનો પણ સમાવેશ થાય છે. EDએ સુરેશ રૈનાની 8 કલાક પૂછપરછ કરી હતી અને તેમનું નિવેદન નોંધ્યું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય તપાસ એજન્સી 1xBet નામની 'ગેરકાયદેસર' સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત આ તપાસના ભાગ રૂપે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ શિખર ધવનનું નિવેદન નોંધશે. એવું માનવામાં આવે છે કે 39 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટર કેટલીક જાહેરાતો દ્વારા આ એપ્લિકેશન સાથે સંકળાયેલા હતા. ED પૂછપરછ દરમિયાન આ એપ્લિકેશન સાથેના તેમના સંબંધો શોધવા માંગે છે. તપાસ એજન્સી ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનો સાથે સંબંધિત આવા ઘણા કેસોની તપાસ કરી રહી છે, જેના પર ઘણા લોકો અને ઇન્વેસ્ટરોએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ વાસ્તવિક પૈસાથી ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવ્યો છે. આવી સ્થિતિમાં, હવે આવી એપ્સનું કોઈ પ્રમોશન થશે નહીં અને ન તો તેનો ભારતમાં કાયદેસર ઉપયોગ થઈ શકશે. EDએ સુરેશ રૈનાને આ એપ સાથેના તેમના સંબંધો, તેના પ્રમોશનથી થતી કમાણી અને બંને પક્ષો વચ્ચેના સંદેશાવ્યવહારના માધ્યમ વિશે પૂછપરછ કરી હતી. શિખર ધવન સાથે પણ આવું જ થવાનું છે. એજન્સીએ તાજેતરમાં આ મામલે પૂછપરછ માટે ગૂગલ અને મેટાના પ્રતિનિધિઓને બોલાવ્યા હતા.