એશિયા કપ 2025 ની શરૂઆત 9 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (દુબઈ અને અબુ ધાબી) માં યોજાશે. આ વખતે 8 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ પછી સુપર ફોર અને પછી ફાઇનલ મેચ રમાશે. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ 19 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે, જ્યારે ફાઇનલ 28 સપ્ટેમ્બરે રમાશે.
ભારતીય ટીમની સ્ક્વાડ
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલ ઉપ-કેપ્ટન છે. ટીમમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, તિલક વર્મા, જીતેશ શર્મા, હર્ષિત રાણા અને રિંકુ સિંહ જેવા મુખ્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. અને યશસ્વી જયસ્વાલ, પ્રસિદ્ધ કૃષ્ણ, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને રિઝર્વ ખેલાડીઓ તરીકે રાખવામાં આવ્યા છે. ભારત આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે.
પહેલી વાર એશિયા કપ રમી રહેલા ભારતીય ખેલાડીઓની લિસ્ટ
1 જીતેશ શર્માવિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માને પહેલી વાર એશિયા કપ 2025 માં રમવાની તક મળી છે. અગાઉ, તેણે ભારત માટે 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં જીતેશે 14.28 ની સરેરાશથી કુલ 100 રન ફટકાર્યા છે. તેનું ડેબ્યૂ 2023 માં નેપાળ સામે થયું હતું. IPL 2022 માં, 163.63 ના સ્ટ્રાઈક રેટથી 234 રન ફટકાર્યા હતા, જ્યારે 2025 માં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને 176.35 ના સ્ટ્રાઈક રેટથી 261 રન ફટકાર્યા હતા. ફિનિશર તરીકેના તેના ઉત્તમ પ્રદર્શનને કારણે તેને એશિયા કપ ટીમમાં સ્થાન મળ્યું છે.
2 હર્ષિત રાણાભારતીય યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં ત્રીજા પેસર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ટીમ ઇન્ડિયામાં ડેબ્યૂ કર્યું હતું. રાણા 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો. અત્યાર સુધીમાં તેણે ભારત માટે 1 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 3 વિકેટ લીધી છે અને 33 રન આપ્યા છે.
3 શિવમ દુબેભારતીય ઓલરાઉન્ડર શિવમ દુબેને આ વખતે એશિયા કપમાં રમવાની તક મળી છે. શિવમ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે અને મધ્યમ ગતિએ બોલિંગ પણ કરી શકે છે. તે હાર્દિક પંડ્યા સાથે ટીમને સંતુલન આપી શકે છે. દુબેએ 2019 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેના શાનદાર પ્રદર્શનના આધારે, તેણે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી અને 2024 T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો.
4 વરુણ ચક્રવર્તીવરુણ ચક્રવર્તીએ ભારત માટે અત્યાર સુધીમાં 18 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 14.57 ની એવરેજથી 33 વિકેટ લીધી છે. તેના પ્રદર્શનને જોતાં તેને એશિયા કપ 2025 ની ટીમમાં સ્થાન મળ્યું છે. આ પહેલી વાર હશે જ્યારે વરુણ એશિયા કપ રમશે. તેણે 2021 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને IPL માં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરી હતી. તે 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ટીમનો પણ ભાગ હતો.
5 સંજુ સેમસનભારતીય ટીમના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન અત્યાર સુધીમાં 42 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં તેણે 25.32 ની એવરેજથી 861 રન બનાવ્યા છે. તે એશિયા કપ 2025 માં ઓપનર અને વિકેટકીપર બંને ભૂમિકામાં ટીમનો ભાગ રહેશે. સંજુએ 2015 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને લગભગ 10 વર્ષ પછી, તેને પહેલીવાર એશિયા કપ રમવાની તક મળી રહી છે.
6 અભિષેક શર્માયુવા લેફટી બેટ્સમેન અભિષેક શર્મા 2025 એશિયા કપમાં પહેલી વાર ભારત તરફથી રમતા જોવા મળશે. અભિષેકે 6 જૂન 2024 એ ઝિમ્બાબ્વે સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે IPL 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 484 રન ફટકાર્યા હતા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 141 રન હતા.
7 રિંકુ સિંહફિલ્ડિંગ અને બેટિંગમાં સતત શાનદાર પ્રદર્શનને કારણે રિંકુ સિંહે પસંદગીકારોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેણે 2023 માં આયર્લેન્ડ સામે T20 માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તેણે 24 ઇનિંગ્સમાં 546 રન ફટકાર્યા છે. આ આંકડાઓને ધ્યાનમાં લેતા, તેને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.