Asia Cup 2025 Live Streaming: એશિયા કપ 2025 શરૂ થવામાં હવે થોડા કલાકો બાકી છે, પરંતુ આ વખતે ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટો ફેરફાર આવ્યો છે. અત્યાર સુધી ચાહકો JIOHotstar પર ટુર્નામેન્ટ જોઈ રહ્યા હતા, પરંતુ આ વખતે તેઓ ત્યાં નિરાશ થશે. Hotstar ની જગ્યાએ લાઇવ સ્ટ્રીમિંગ માટે નવું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
એશિયા કપ 2025 નું ડિજિટલ સ્ટ્રીમિંગ હવે Sony LIV પર થશે. ગયા વર્ષે નવેમ્બરમાં, Sony એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પાસેથી લાંબા ગાળા માટે ટુર્નામેન્ટના પ્રસારણના રાઇટ્સ ખરીદ્યા હતા. આ કરાર હેઠળ, Sony ને 2024 થી 2031 સુધી યોજાનારી તમામ એશિયન ટુર્નામેન્ટ માટે ડિજિટલ અને ટીવી પ્રસારણના રાઇટ્સ મળ્યા છે. Sony એ આ સોદો $170 મિલિયનમાં નક્કી કર્યો હતો. પુરુષો ઉપરાંત, આ ડીલમાં મહિલા એશિયા કપ, અંડર-19 અને ઇમર્જિંગ ટીમ્સની મેચો પણ સામેલ છે. એટલે કે, આગામી સાત વર્ષ સુધી, ક્રિકેટ ચાહકોએ એશિયા કપ જોવા માટે Sony LIV ડાઉનલોડ કરવું પડશે.
ટીવી પર મેચ ક્યાં જોવી?
ચાહકોને ટીવી પર પણ ફેરફારોનો સામનો કરવો પડશે. અત્યાર સુધી એશિયા કપ Star Sports પર પ્રસારિત થતું હતું, પરંતુ આ વખતે Sony Sports Network ની ચેનલો મેચ બતાવશે. એટલે કે, ટીવીથી લઈને મોબાઈલ સુધી, દર્શકોએ નવું નેટવર્ક અપનાવવું પડશે.
ચાહકોની સમસ્યા
દર્શકો આ ફેરફારથી ખુશ નથી. ઘણા લોકો સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે, તેઓ પહેલાથી જ Jio Hotstar નો વાર્ષિક પેક લઈ ચૂક્યા છે અને હવે તેમને Sony LIV નું સબ્સ્ક્રિપ્શન પણ ખરીદવું પડશે. ઘણા ચાહકો કહે છે કે, આ અચાનક ફેરફારથી તેમના પૈસા અને સમય બંનેનો બગાડ થયો છે.
ભારતની મેચ ક્યારે છે?
આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરે અબુ ધાબીમાં અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી, 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ રમાશે. લીગ સ્ટેજની ભારતની છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે ઓમાન સામે થશે. ફાઇનલ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે, જ્યાં એશિયાની બે મજબૂત ટીમો એકબીજા સામે ટકરાશે.