Morbi AAP News : મોરબીના રવાપર રોડ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત પરિવર્તન સભામાં ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. એક તરફ પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તન અને સ્વચ્છ રાજકારણની વાતો કરી રહ્યા હતા, ત્યારે બીજી તરફ પાર્ટીના જ સહ-પ્રભારી હિતુભા રાઠોડે ખુલ્લેઆમ બળવો પોકારી પાર્ટી સામે ગંભીર આરોપો લગાવી રાજીનામું આપ્યું હતું. આ ઘટનાએ સમગ્ર સભાને રાજકીય અફરાતફરીમાં ફેરવી દીધી હતી.
'AAP આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે'
સહ-પ્રભારી હિતુભા રાઠોડે મંચથી અને સભા દરમિયાન જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં અંદરખાને ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમણે પાર્ટીને ‘ગુંડાઓ અને અમીરોની પાર્ટી’ ગણાવીને કહ્યું હતું કે, આ પાર્ટી ગરીબોની નથી પરંતુ માત્ર અમીર લોકો માટે જ કાર્ય કરે છે. તેમણે લોકોને આ પાર્ટીમાં ન જોડાવાની અપીલ કરતાં કહ્યું કે, જો આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવવામાં આવશે.
'...તે પક્ષ સત્તામાં આવશે તો તાનાશાહી ચલાવશે'
હિતુભા રાઠોડે વધુમાં આરોપ લગાવ્યો હતો કે, જે પક્ષ પોલીસને ‘ટોમી’ ગણાવે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની ભાષા બોલે છે, તે પક્ષ સત્તામાં આવશે તો તાનાશાહી ચલાવશે. આવી સ્થિતિ સહન ન થતાં તેમણે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખવાનો નિર્ણય લીધો હોવાનું જાહેર કર્યું હતું. તેમના આ નિવેદનો બાદ સભામાં ભારે ગુંચવણ અને હોબાળો સર્જાયો હતો.
પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા!
એક તરફ આમ આદમી પાર્ટી પરિવર્તનના મોટા દાવા કરી રહી હતી, તો બીજી તરફ રસ્તા પર પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા, જે પાર્ટીની આંતરિક ફૂટને સ્પષ્ટ રીતે દર્શાવતા હતા. આંતરિક ડખા અને આક્ષેપ-પ્રત્યારોપના કારણે સભાનો મૂળ ઉદ્દેશ બાજુ પર રહી ગયો હતો અને આખો કાર્યક્રમ રાજકીય આરોપોની ભરમારમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાએ આમ આદમી પાર્ટીની અંદરની ખેંચતાણને જાહેરમાં લાવી દીધી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.




















